લંડન
સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રામીણ વિસ્તારોમાં વસતી વધારવા માઇગ્રન્ટોને ગ્રામીણ વિસ્તારોમાં વસાવવા માટે રૂરલ વિઝાનો પ્રારંભ કરવાની સલાહ આપી છે. કમિટીનું કહેવું છે કે આ રીતે ગ્રામીણ વિસ્તારોમાં ઘટી રહેલી વસતીની સમસ્યા નિવારી શકાશે. છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સ લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાયી થઇ રહ્યાં હોવાથી આ વિસ્તારોમાં વસતી વિસ્ફોટ થઇ રહ્યો છે. કમિટી દ્વારા કોઇ ચોક્કસ વિસ્તારોનો ઉલ્લેખ કરાયો નથી પરંતુ કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું હતું કે સ્કોટલેન્ડ અને વેલ્સના ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રયોગ કરી શકાય.
તેમણે જણાવ્યું હતું કે, પાયલટ પ્રોજેક્ટ દ્વારા એ નક્કી કરી શકાય કે આ યોજના કેટલી સફળ રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં ઓછી કુશળતા ધરાવતા માઇગ્રન્ટ વર્કર્સને રોજગાર પણ આપી શકાય.
તેમણે જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કૃષિમાં કામદારોની અછત દૂર કરી શકાશે અને વધુ પ્રમાણમાં સીઝનલ ફાર્મ વર્કર્સને બ્રિટનમાં આકર્ષી શકાશે. તે ઉપરાંત ફિશિંગ અને હોસ્પિટાલિટી સેક્ટરોમાં પણ ક્લીનર્સ, બાર એન્ડ વેઇટિંગ સ્ટાફમાં તેમને નિયુક્ત કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડામાં આ પ્રકારની ઇમિગ્રેશન સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે.


