લંડનઃ ગ્રાહકને એલર્જિક રિએક્શનને પગલે હોસ્પિટલમાં સારવાર લેવી પડતાં ભારતીય રેસ્ટોરન્ટને 44,000 પાઉન્ડનો દંડ કરાયો છે. નટ એલર્જી ધરાવતા ગ્રાહકે અક્સબ્રિજમાં 112 હાઇ સ્ટ્રીટમાં જાવિત્રી ખાતે ભોજન ખાધા બાદ ગંભીર રિએક્શન આવ્યું હતું. તેથી ગ્રાહકે હિલિંગડન કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ 26 જૂન 2024ના રોજ ફૂડ હાઇજિન અધિકારીઓએ રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. જેમાં રેસ્ટોરન્ટના સંચાલનમાં એલર્જી અંગેની ઘણી ત્રુટિઓ સામે આવી હતી. 22 એપ્રિલ 2025ના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાવિત્રીની સંચાલક કંપની જેપી અક્સબ્રિજ લિમિટેડે તેના પર મૂકાયેલા પાંચ આરોપની કબૂલાત કરી લેતાં અદાલતે કંપનીને 35,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. તે ઉપરાંત પીડિતને 5000 પાઉન્ડ અને કાઉન્સિલને 3816 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.