લંડનઃ નવા ગાર્બેજ કલેક્શન નિયમો અંતર્ગત ગ્રીન બિનમાં ખોટો કચરો નાખનારાને 5000 પાઉન્ડનો દંડ ફટકારાશે. સરકાર દ્વારા ગ્રીન બિન ધરાવતા પરિવારોને આ અંગે ચેતવણી જારી કરી છે. જો ગ્રીન અથવા બ્રાઉન ગાર્ડન બિનમાં ખોટો કચરો નાખવામાં આવશે તો 5000 પાઉન્ડ સુધીનો દંડ અથવા ક્રિમિનલ રેકોર્ડ સુધીના પગલાં લેવાશે.
જાપાનિઝ નોટવીડ લિમિટેડના જેનિફર હોમ્સે ચેતવણી આપી છે કે એ માની લેવું સરળ છે કે બિનમાં નોક્સિયસ પ્લાન્ટ મટિરિયલ નાખશો તો તેની કોઇ નોંધ લેવાશે નહીં પરંતુ હકીકતમાં કાઉન્સિલ તમને ઝડપી શકે છે. નિયમો પ્રમાણે નોટવીડનો નિકાલ ન કરાય તો તમે પર્યાવરણને નુકસાન કરી રહ્યાં છો. જો તમારી પ્રોપર્ટીમાં નોટવીડ છે તો તેને તમારી જાતે દૂર કરશો નહીં. તેનાથી તમે તેના પ્રસારને પ્રોત્સાહન આપી રહ્યાં છો. આ એક ગેરકાયદેસર કૃત્ય છે.
જે નોટવીડના પ્રસારમાં મદદ કરે છે તેને 5000 પાઉન્ડ સુધીનો દંડ અને-અથવા 2 વર્ષની કેદ થઇ શકે છે. ભેળસેળયુક્ત માટીનો નિકાલ પણ નોટવીડનો પ્રસાર કરે છે જે નિયમનું ઉલ્લંઘન છે. લેબર સરકાર દ્વારા બિન રૂલ્સમાં બદલાવ થઇ રહ્યાં છે. આ અંતર્ગત ઇંગ્લેન્ડમાં નેટ ઝીરોને પ્રોત્સાહન આપવા પરિવારને ચાર કન્ટેનર અને ચાર બિન અપાશે.


