ગ્રીનશૂટ્સ સંશોધક ડો. વિશાલ પટેલને થેરાપી ટ્રાયલ માટે £૨.૩ મિલિયનનું ભંડોળ અપાયું

Wednesday 31st October 2018 02:48 EDT
 
 

લંડનઃ NIHR CRN સાઉથ લંડન ગ્રીનશૂટ્સ પ્રોગ્રામ માટે પસંદગી પામેલા કિંગ્સ કોલેજ હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનરરી કન્સલ્ટન્ટ હેપેટોલોજિસ્ટ ડો. વિશાલ પટેલને પોર્ટલ હાયપર ટેન્શન અને સિરોસીસમાં મલ્ટિ સેન્ટર ક્લિનિકલ ટ્રાયલ એસેસિંગ ડ્રગ થેરાપી અથવા BOPPP Trial માટે ૨.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ આપવામાં આવ્યું છે. ધ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ રિસર્ચ હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટ પ્રોગ્રામ અન્વયે આ અભ્યાસ છ વર્ષ સુધી ચાલશે.

આ ટ્રાયલમાં સમગ્ર યુકેમાંથી ૨૫ અલગ અલગ હોસ્પિટલોમાં ૧,૨૦૦ પેશન્ટ્સની ભરતી કરવામાં આવશે અને સિરોસીસના પેશન્ટ્સમાં રક્તસ્રાવ અટકાવવા માટે નોન-સીલેક્ટિવ બીટા બ્લોકર કાર્વેડિલોલ અસરકારક માર્ગ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. ક્રોનિક લિવર રોગથી પીડાતા દર્દીઓમાં આ ખતરનાક કોમ્પ્લિકેશન ગણાય છે. વિકસિત વિશ્વમાં લિવરનો રોગ મોત માટે પાંચમુ સૌથી સામાન્ય કારણ ગણાય છે અને તેનું પ્રમાણ વધી રહ્યું છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અંદાજે ૬૦,૦૦૦ લોકો સિરોસીસ (લિવર પર છેકા પડવા)થી પીડાય છે, જેમાં દર વર્ષે અંદાજે ૧૧,૦૦૦ મોત થાય છે. કેટલાક દર્દીઓમાં વેરિકોઝ વેઈન્સમાંથી રક્તસ્રાવ થાય છે, જે જીવલેણ બની શકે છે અને તેના માટે તાકીદની સારવારની જરુર પડે છે. આ પ્રકારના રક્તસ્રાવનું જોખમ ઘટાડવા કાર્વેડિલોલ ઉપયોગી બની શકે છે.

ડો. વિશાલ પટેલે જણાવ્યું હતું કે,‘અન્નનળીની નાની રકતવાહિનીઓ ધરાવતા પેશન્ટ્સમાં રક્તસ્રાવ અટકાવવા આ ચોક્કસ ઔષધ કામ લાગી શકે કે કેમ તેનો ઉત્તર અમે મેળવવા માગીએ છીએ. જો રોગના પ્રારંભિક તબક્કે આ સારવાર શરુ કરી દેવાય તો કદાચ આવી ગંભીર સમસ્યા અટકાવી શકાય તેવો વિચાર છે.’

તેમણે કહ્યું હતું કે, ‘કિંગ્સ હેપેટોલોજી અને ક્લિનિકલ સાથીદાર ડો. માર્ક મેકફેઈલ સાથેની ‘BOPPP Team’ સાથે કામ કરવાનો મને આનંદ રહેશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર સ્ટડીઝમાં અમારા ક્લિનિકલ સાથીદારો તેમજ કિંગ્સ ક્લિનિકલ ટ્રાયલ્સ યુનિટની મોટી ટીમના સભ્યો અને ખાસ કરીને કિંગ્સ કોલેજ લંડનના મુખ્ય આંકડાશાસ્ત્રી ડો. બેન કાર્ટરે ઘણી સારી કામગીરી બજાવી ફંડ હાંસલ કરવામાં પીઠબળ આપ્યું છે. સંભવિત લેન્ડમાર્ક સ્ટડી માટે આ વિશાળ તક છે અને જો અસરકારક રહેશે તો યુકેમાં સિરોસીસથી પીડાતા હજારો દર્દીઓની જિંદગી માટે લાભકારી બની રહેશે.’ ડો. મેકફેઈલે પણ અભ્યાસ અને ફંડ વિશે આનંદ દર્શાવ્યો હતો.

ડો. વિશાલ પટેલના ચીફ ઈન્વેસ્ટિગેટર તરીકે આ પ્રથમ મલ્ટિ સેન્ટર ટ્રાયલ છે. તેઓ ‘ગટ-લિવર એક્સિસ સ્ટડી ઈન ક્રોનિક લિવર ફેઈલ્યોર સીન્ડ્રોમ્સ’ના ચાલતા અભ્યાસમાં પણ ચીફ ઈન્વેસ્ટિગેટર છે, જેમાં અત્યાર સુધી ૪૦૦ પેશન્ટ અને ૭૦ સ્વસ્થ વોલન્ટીઅર્સની ભરતી કરાઈ છે. તેઓ કહે છે કે ‘ગ્રીનશૂટ્સથી મળેલાં ભંડોળથી તેમને ભારે મદદ સાંપડી છે. આ માટે હું CRN સાઉથ લંડનના સપોર્ટનો આભારી છું.’

CRN સાઉથ લંડનના ક્લિનિકલ ડાયરેક્ટર પ્રોફેસર એન્ડ્રયુ શેનાને ગ્રીનશૂટ્સ પ્રોગ્રામની સ્થાપના કરી છે અને તેના પરિણામથી તેઓ ખુશ છે. સમગ્ર યુકેને આવતી લેતા આ મહત્ત્વપૂર્ણ અભ્યાસ માટે ભંડોળ મેળવવા બદલ તેમણે ડો. વિશાલ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter