ગ્રીનસિલનું £૨૨ બિલિ.નું સ્ટોક ફ્લોટેશન ન થતાં કેમરનનો મોટો કોળિયો ઝૂંટવાયો

Tuesday 04th May 2021 17:12 EDT
 
 

લંડનઃ સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાના ફાઈનાન્સિયર ગ્રીનસિલ કેપિટલ ૨૨ બિલિયન પાઉન્ડનું સ્ટોક માર્કેટ ફ્લોટેશન કરવા વિચારતા હતા. જો આ શક્ય બન્યું હોત તે કંપની ઉપરાંત, પૂર્વ વડા પ્રધાન અને કંપનીના સલાહકાર ડેવિડ કેમરનને પણ નવ આંકડાની રકમનો ભારે લાભ થવાનો હતો. ગ્રીનસિલના બેન્કર ક્રેડિટ સ્યુઈશ દ્વારા જાન્યુઆરી ૨૦૨૦માં બોર્ડ સમક્ષ કરાયેલી રજૂઆતમાં ફ્લોટેશન આંકડો જાહેર કરાયો હતો.

ગાર્ડિયનના અહેવાલ મુજબ હાલ નાદારીની હાલતમાં આવી ગયેલી ગ્રીનસિલની સરખામણી માસ્ટરકાર્ડ અને પેપાલ જેવા ફાઈનાન્સિયલ જાયન્ટ્સ સાથે કરાવાની હતી. ત્રણ વર્ષમાં કંપનીના અભૂતપૂર્વ વિકાસને ગ્રીનસિલની ઈન્વેસ્ટર બેન્ક સોફ્ટબેન્કના વડા માસાયોશી સોન, કંપનીના સલાહકારો પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિદેશપ્રધાન જૂલી બિશપ સહિત ચાવીરુપ હિસ્સેદારોનો ટેકો મળ્યો હતો. ગ્રીનસિલનું વેલ્યુએશન ૩૦ બિલિયન ડોલર (૨૨ બિલિયન પાઉન્ડ)ને વટાવી જશે તેવો વિશ્વાસ બેન્કર ક્રેડિટ સ્યુઈશને હતો.

૩૦ બિલિયન ડોલરનું વેલ્યુએશન કોરોના મહામારી ફાટી નીકળ્યા અગાઉનું હતું. જોકે, મહામારીના ફેલાવા સાથે બજારોમાં અરાજકતા વ્યાપી અને ગ્રીનસિલે થોડા મહિનાઓ પછી નીચા વેલ્યુએશને પણ નવા ઈન્વેસ્ટર્સ પાસેથી વધુ ભંડોળ મેળવવા પ્રયાસો કર્યા પરંતુ, સફળતા નહિ સાંપડતા નાદારીનો વારો આવી ગયો હતો.

અગાઉ એવો અહેવાલો હતા કે કેમરનને તેમની સલાહકારની ભૂમિકા બદલ ગ્રીનસિલમાં ૧ ટકાનો હિસ્સો અપાયો હતો. જો ક્રેડિટ સ્યુઈશનું વેલ્યુએશન હાંસલ થયું હોત તો કેમરનને તે સમયે આશરે ૨૦૦ મિલિયન પાઉન્ડ જેટલો જંગી લાભ થયો હોત. આવી સંપત્તિથી કેમરન સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ફોર્મ્યુલા વન ડ્રાઈવર લૂઈ હેમિલ્ટન, ફિલ્મ સ્ટાર્સ કેથેરાઈન ઝેટા-જોન્સ અને માઈકલ ડગ્લાસની હરોળમાં બેસી ગયા હોત. કેમરને પોતાને મળનારા ફાયદાને જોઈવ્હાઈટહોલમાં સઘન લોબિઈંગ પ્રયાસો આરંભી દીધા અને પાછળથી તેમાં ભરાઈ પડ્યા હતા. કેમરને મિનિસ્ટર્સ અને સિવિલ સર્વન્ટ્સ પર ગ્રીનસિલના બિઝનેસને સપોર્ટ કરવાનું દબાણ વધારવાના પરિણામે આઠ અલગ ઈન્ક્વાયરી શરુ કરાઈ છે. માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં ગ્રીનસિલને જંગી સરકારી લોન્સ મારફતે મદદ કરવા ટેક્સપેયર્સના ૨૦ બિલિયન પાઉન્ડ સુધીનું જોખમ ઉપાડી લેવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ટ્રેઝરીને વારંવાર દબાણ કરાયું હોવાનું પણ બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter