ગ્રુપ એ સ્ટ્રેપના કારણે 8 બાળકના મોત, સ્કારલેટ ફીવરના કેસોમાં મોટો ઉછાળો

બાળકોમાં ફેલાતી આ ગંભીર બીમારી અંગે સાવધ રહેવા વાલીઓને ચેતવણી

Wednesday 07th December 2022 05:29 EST
 
 

લંડન

યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ ગ્રુપ એ સ્ટ્રેપ તરીકે ઓળખાતા રોગથી 8 બાળકોના મોત થયા બાદ વાલીઓને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. બેક્ટેરિયાના ચેપના કારણે થતા ગ્રુપ એ સ્ટ્રેપના કેસમાં તાજેતરમાં વધારો થયા બાદ આ ચેતવણી જારી કરાઇ છે. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોસી બેક્ટેરિયા દ્વારા બાળકોના શ્વસનતંત્ર અને ચામડીમાં ઇન્ફેક્શન સર્જાય છે. ગળામાં ખારાશ અને તાવ તેના લક્ષણો છે. કેટલાક કિસ્સામાં આ બેક્ટેરિયા લોહીમાં ભળે છે ત્યારે તે દર્દીની સ્થિતિ ગંભીર બનાવે છે. આ ગંભીર સ્થિતિને ગ્રુપ એ સ્ટ્રેપ તરીકે ઓળખવામાં આવે છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના ડેપ્યુટી ડિરેક્ટર ડો. કોલિન બ્રાઉને જણાવ્યું હતું કે, ગ્રુપ એ સ્ટ્રેપ અસામાન્ય રોગ છે. તેમ છતાં વાલીઓ તેના લક્ષણો અંગે સાવચેત રહે અને બાળકમાં આ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટર પાસે સારવાર અપાવે જેથી તેની સ્થિતિ ગંભીર થતી અટકાવી શકાય.

એજન્સીએ જણાવ્યું છે કે આ વર્ષે ગ્રુપ એ સ્ટ્રેપના કેસમાં વધારો જોવા મળ્યો છે. 10 વર્ષથી નાના બાળકોમાં આ કેસ વધુ નોંધાઇ રહ્યાં છે. આ રોગના કારણે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડમાં પાંચ અને વેલ્સમાં એક બાળકનાં મોત થઇ ચૂક્યાં છે.

કોરોના મહામારી પહેલાં 2017થી 2019માં દર એક લાખ બાળકે ફક્ત 1 ટકા કેસ નોધાતા હતા. આ વર્ષે તે વધીને 2.3 ટકા થઇ ગયાં છે. ગ્રુપ એ સ્ટ્રેપ કેસમાં વધારાની સાથે સ્કારલેટ ફીવરના કેસમાં પણ વધારો થયો છે. આ ગ્રુપ એ સ્ટ્રેપની મધ્યમ સ્થિતિ છે પરંતુ તે ગંભીર ચેપી બિમારી ગણાય છે. મધ્ય નવેમ્બરમાં સ્કારલેટ ફીવરના 851 કેસ નોંધાયા છે. જે સામાન્ય સંજોગોમાં નોંધાતા સરેરાશ 186 કેસ કરતાં ઘણા વધુ છે.

સ્ટ્રેપ એ અંગે સાવધ રહેવા તમામ જીપીને ચેતવણી

સરકારના આરોગ્ય વડાઓએ તમામ જીપીને બાળકોમાં પ્રસરી રહેલા સ્ટ્રેપ એ રોગચાળા અંગે સાવધ રહેવા ચેતવણી આપી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ ડોક્ટરોને સ્ટ્રેપ એના સંભવિત બાળદર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવા અને તેમને એન્ટિબાયોટિક્સ આપવાની અપીલ કરી છે. દેશના તમામ જીપી, અર્જન્ટ કેર સેન્ટર અને બાળકોની હોસ્પિટલોને આ સૂચના જારી કરી દેવાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter