લંડનઃ રોધરહામમાં બાળકોના જાતીય શોષણમાં સાઉથ યોર્કશાયરના પોલીસ અધિકારીઓ પર મૂકાયેલા આરોપોની તપાસ નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ)ને સોંપવામાં આવી છે. પાંચ મહિલાઓ દ્વારા આરોપ મૂકાયા હતા કે તેઓ સગીરા હતી ત્યારે ગ્રુમિંગ ગેંગનો શિકાર બની હતી. તે સમયે પોલીસ અધિકારીઓએ પણ અમારું શોષણ કર્યું હતું.
સાઉથ યોર્કશાયર પોલીસે અગાઉ જાહેરાત કરી હતી કે અમે આ આરોપોની તપાસ કરીશું પરંતુ તપાસમાં પારદર્શકતા જળવાય તે માટે પોલીસને તપાસમાંથી હટાવવાની માગ બુલંદ બની હતી. એનએસીએએ જણાવ્યું છએ કે અમે પીડિતોના હિતોને કેન્દ્રમાં રાખીને તપાસ કરીશું. આ આરોપોના સંદર્ભમાં 3 પૂર્વ પોલીસ અધિકારીની ધરપકડ કરાઇ છે. આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ હેલી બાર્નેટે જણાવ્યું હતું કે સાઉથ યોર્કશાયર પોલીસે એનસીએને આ તપાસ કરવા વિનંતી કરી હતી.
બાર્નેટે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તપાસ સામે ઘણી ચિંતા વ્યક્ત કરાઇ હતી. પોલીસ દ્વારા પીડિતોને કેન્દ્રમાં રાખીને તપાસ થશે કે કેમ તે અંગે શંકાઓ સેવાઇ રહી હતી. અગાઉ ઓપરેશન સ્ટવવૂડમાં સામેલ એનસીએના અધિકારીઓ દ્વારા આ તપાસ કરાશે.