લંડનઃ હાઉસ ઓફ કોમન્સના લેબર લીડર લ્યુસી પોવેલે ગ્રુમિંગ ગેંગના મામલાને ડોગ વ્હિસલ ઇશ્યૂ ગણાવતા મોટો વિવાદ સર્જાયો છે અને તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી રહી છે. બીબીસી રેડિયો4 પરની ચર્ચામાં રિફોર્મ યુકેના ટિમ મોન્ટગોમરી દ્વારા પોવેલને સવાલ કરાયો હતો કે શું તેમણે ગ્રુમિંગ ગેંગ્સ પરની તાજેતરની દસ્તાવેજી ફિલ્મ જોઇ છે. ત્યારે જવાબમાં પોવેલે આ સવાલને પડતો મૂકવાની માગ સાથે આ ટિપ્પણી કરી હતી.
હોબાળો સર્જાતાં પોવેલે બીજા દિવસે જણાવ્યું હતું કે, તે બાળકોના જાતીય શોષણ અને ગ્રુમિંગ ગેંગના મામલાને અત્યંત ગંભીર ગણે છે. જો તેમની ટિપ્પણી અસ્પષ્ટ લાગી છે તો તેઓ માફી માગે છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, ઘણીવાર ઉગ્ર ચર્ચામાં રાજકીય નેતાઓ બફાટ કરી બેસે છે અને તેના કારણે વિવાદો સર્જાતા હોય છે.
શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે, લેબર કેબિનેટ મિનિસ્ટરનો આઘાતજનક બફાટ દાયકાઓથી ગ્રુમિંગ ગેંગો દ્વારા શોષણનો ભોગ બનેલી સગીરાઓ અને મહિલાઓનું ઘોર અપમાન છે. અમે ગ્રુમિંગ ગેંગ મામલામાં રાષ્ટ્રીય તપાસની સતત માગ કરી રહ્યાં છીએ પરંતુ લેબર સરકારને તેની કોઇ પરવા નથી. લ્યુસી પોવેલે રાજીનામુ આપી દેવું જોઇએ.