લંડનઃ ગ્રુમિંગ ગેંગો પરના બેરોનેસ કેસીના રિપોર્ટની વિગતો જાહેર કરતાં હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે પીડિતાઓની માફી માગી હતી. બેરોનેસ કેસીના રિપોર્ટમાં અપરાધીઓની વંશીય ઓળખ અંગેના સવાલો દબાવી દેવા માટે સંસ્થાનોની આકરી ટીકા કરવામાં આવી છે. બેરોનેસ કેસીના રિપોર્ટના તારણો બ્રિટિશ સમાજ માટે કલંક છે.
સગીરાઓના શારીરિક શોષણ અંગે નેશનલ ઇન્કવાયરીની સત્તાવાર જાહેરાત કરતાં હોમ સેક્રેટરીએ કબૂલાત કરી હતી કે સરકારી સત્તામંડળોના વલણથી જધન્ય અપરાધનો શિકાર બનેલી પીડિતાઓને ન્યાયથી વંચિત રહેવું પડ્યું છે. તેમણે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, રિપોર્ટમાં બાળકો સાથે બાળકો જેવો વ્યવહાર કરવામાં નિષ્ફળતા સામે આવી છે. હવે નેશનલ ઇન્કવાયરીનો પ્રારંભ કરાશે જે સ્થાનિક સ્તરે થઇ રહેલી તપાસની પણ સમીક્ષા કરશે. હવે 16 વર્ષથી નાની સગીરા સાથે સેક્સ કરશે તો તેના પર સૌથી ગંભીર બળાત્કારના આરોપ લગાવાશે.