લંડનઃ ગ્રુમિંગ ગેંગ સામેની તપાસમાં સરકારે કોઇ પ્રગતિ કરી નહીં હોવાનો આરોપ મૂકાયો છે. હોમ ઓફિસ મિનિસ્ટર જેસ ફિલિપ્સે સાંસદોને જણાવ્યું હતું કે, નિયુક્તિ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને પીડિતોની પેનલ અંતિમ મંજૂરીનો હિસ્સો રહેશે.
શેડો હોમ મિનિસ્ટર ક્રિસ ફિલિપે આરોપ મૂક્યો હતો કે સરકાર ગ્રુમિંગ ગેંગ સામેની નેશનલ ઇન્કવાયરીની માગ પર હંમેશા પીછેહઠ કરતી આવી છે. તેની જાહેરાત બાદ પણ તે દિશામાં કોઇ પ્રગતિ કરી નથી. મારી ઓફિસ ઓલ્ડહામની પીડિતો સાથે સતત સંપર્કમાં છે. સરકાર દ્વારા તેમનો કોઇ સંપર્ક કરાયો નથી.
ફિલિપે આરોપ મૂક્યો હતો કે હજુ સુધી ઇન્કવાયરીના અધ્યક્ષની નિયુક્તિ થઇ નથી. કોઇ નિયમો તૈયાર કરાયા નથી કે ઓલ્ડહામ અથવા બ્રેડફોર્ડ જેવા શહેરો અંગે કોઇ માહિતી નથી. સરકારે કોઇ પગલાં લીધાં જ નથી.
સરકાર પહેલા તો નેશનલ ઇન્કવાયરી કરાવવા ઇચ્છતી જ નહોતી. બેરોનેસ કેસીના રિપોર્ટ બાદ તેણે રાષ્ટ્રવ્યાપી તપાસની ભલામણ સ્વીકારી હતી. જેસ ફિલિપ્સે જણાવ્યું હતું કે, મેં અને હોમ સેક્રેટરી કૂપરે અધ્યક્ષપદ માટેના સંભવિત ઉમેદવારો સાથે મુલાકાત કરી છે.