લંડનઃ ગ્રુમિંગ ગેંગ મામલાની દેશવ્યાપી તપાસ કરાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગને સ્ટાર્મર સરકારે સ્વીકારી લીધી છે. શનિવારે વડાપ્રધાન સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે ગ્રુમિંગ ગેંગ મામલાની સંપુર્ણ દેશવ્યાપી તપાસ કરાશે.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મેં બેરોનેસ લ્યૂસી કેસી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટની ભલામણો સ્વીકારી લીધી છે. તેમણે આ મામલામાં મળેલા પુરાવા અને આંકડાના આધારે નેશનલ ઇન્કવાયરી જરૂરી હોવાની ભલામણ કરી છે. આ ઇન્કવાયરી સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હાથ ધરાશે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મેં કેસીને નેશનલ ઇન્કવાયરી માટેની મારી અગાઉની દલીલોની પુનઃચકાસણી કરવા જણાવ્યું હતું અને તેમની ભલામણ બાદ મેં મારા નિર્ણયમાં બદલાવ કર્યો છે. અગાઉ મને એમ હતું કે આ પ્રકારની નેશનલ ઇન્કવાયરીથી ન્યાયમાં વિલંબ થશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મેં ક્યારેય એમ નહોતું કહ્યું કે અમે આ મામલાની પુનઃસમીક્ષા નહીં કરીએ. હું પહેલા કોઇપણ પ્રકારની ઇન્કવાયરી માટે મારી જાતને સુનિશ્ચિત કરવા ઇચ્છતો હતો. તેથી જ મેં કેસીને ઓડિટ કરવા જણાવ્યું હતું. કેસીએ ઉપલબ્ધ આંકડા અને પુરાવાની ચકાસણી કર્યા બાદ નેશનલ ઇન્કવાયરીની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. મેં તેમના રિપોર્ટનો એક એક શબ્દ વાંચ્યો છે અને સરકાર તેમની ભલામણ સ્વીકારવા જઇ રહી છે. મને લાગે છે કે આ સાચી દિશામાંનું પગલું હશે.