લંડનઃ ગ્રુમિંગ ગેંગ અપરાધોમાં અસામાન્ય સંખ્યામાં એશિયન અને મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો સંડોવાયેલા હતા પરંતુ એક પછી એક આવેલી સરકારો અને સત્તાવાળા રેસિસ્ટ તરીકેની છાપ ઊભી ન થાય અને તણાવ ન ફેલાય તેવા ભયથી તેમના અપરાધોને અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં તેવો આરોપ બેરોનેસ કેસીએ તેમના રિપોર્ટમાં મૂક્યો છે.
બેરોનેસે રિપોર્ટમાં જણાવ્યું છે કે એશિયન ગ્રુમિંગ ગેંગો અંગેના દાવા નકારી કાઢવા માટે ખામીયુક્ત ડેટાનો ઉપયોગ કરાતો હતો. એક સંસ્થાગત મંતવ્ય એવું પણ પ્રવર્તતું હતું કે શ્વેત અપરાધીઓની સંડોવણી પૂરવાર કરી શકાતી નથી.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ગ્રુમિંગ ગેંગના અપરાધીઓની વંશીય ઓળખ ચોક્કસ રીતે સ્થાપિત કરી શકાતી નથી કારણ કે 65 ટકા કરતાં વધુ કેસોમાં આ અંગેની નોંધ લેવાઇ જ નથી. તણાવ ન વધે તે માટે સ્થાનિક સત્તાવાળા પોલીસને તેમ કરતાં અટકાવતા હતા. જોકે ગ્રેટર માન્ચેસ્ટર, વેસ્ટ યોર્કશાયર અને સાઉથ યોર્કશાયરની પોલીસ દ્વારા વંશીય ઓળખની સારી રીતે નોંધ કરાઇ હતી જે દર્શાવે છે કે અપરાધીઓમાં એશિયનોની સંખ્યા ઘણી છે.
કેસીએ નોંધ કરી છે કે સરકારો, પોલીસ, સ્થાનિક સત્તાવાળા અને અન્ય સંસ્થાનો દ્વારા પોતે રેસિસ્ટ છે તેવી છાપ ઊભી ન થાય તે માટે વંશીય ઓળખની અવગણના કરી હતી.
બેરોનેસ કેસીનો રિપોર્ટઃ મહત્વના તારણ અને ભલામણો
- બાળકોને બાળક તરીકે ગણવાની જરૂર
- 13થી 15 વર્ષની સગીરાઓ સાથે સંમતિથી સેક્સ કર્યું હોવાનું માની લઇને ઘણા કેસમાં બળાત્કારની કલમો હટાવીને હળવી કલમો લગાવાઇ અથવા તો કેસ પડતા મૂકાયા
- 16 વર્ષથી નાની સગીરા સાથે સેક્સ કરે તેના પર બળાત્કારનો આરોપ ઘડવા કાયદામાં બદલાવ કરવો જોઇએ
- ગ્રેટર માન્ચેસ્ટર, વેસ્ટ યોર્કશાયર અને સાઉથ યોર્કશાયરમાં હાઇપ્રોફાઇલ કેસોમાં પાકિસ્તાની મૂળના પુરુષોની સંડોવણી સામે આવી હતી. ગ્રુપ બનાવીને બાળકોનું શોષણ કરવાની પ્રવૃત્તિમાં તેમની અસામાન્ય સંડોવણી
- મોટાભાગના કેસોમાં સંડોવાયેલા શંકાસ્પદો ક્યાં તો વિદેશી નાગરિક અથવા તો યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારાનો સમાવેશ
- તેમ છતાં કુલ કેસના બે તૃતિયાંશ કેસમાં વંશીય ઓળખની નોંધ કરાઇ નથી, સરકારે વંશઈય ઓળખ ફરજિયાત કરી તેનો નેશનલ ડેટા તૈયાર કરવો જોઇએ
- ઘણા ગ્રુમિંગ ગેંગ કેસમાં શ્વેત બ્રિટિશ, યુરોપિયન, આફ્રિકન અને મિડલ ઇસ્ટર્નની પણ સંડોવણી
- ગ્રુમિંગ ગેંગો અંગે સ્થાનિક એજન્સીઓ સતત ઇનકાર કરતી રહી હતી
- ગ્રુમિંગ ગેંગ કેસોમાં વધુ સ્થાનિક તપાસ જરૂરી છે અને તે નેશનલ કમિશનની નિગરાનીમાં થવી જોઇએ
- અપરાધીઓને ઝડપી લેવા નેશનલ ક્રિમિનલ ઓપરેશન ચલાવવામાં આવે અને તેની નિગરાની નેશનલ ક્રાઇમ એજન્સી કરે
- ટેક્સી ડ્રાઇવરોની સંડોવણી જોતાં ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે લાયસન્સ અને રેગ્યુલેશનના નિયમો આકરા બનાવવા જોઇએ