લંડનઃ ગ્રુમિંગ ગેંગમાં સામેલ બે ભાઇ ટ્રાયલ પહેલાં જ દેશ છોડીને પલાયન થઇ જતાં પોલીસે 8 વ્યક્તિની ધરપકડ કરી છે. એક સગીરા પર બળાત્કાર કરવાના આરોપસર 17 જાન્યુઆરીના રોજ બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા બિંગલેના ફયાઝ એહમદ (45) અને કીઘલેના ઇમ્તિયાઝ એહમદ (61)ને તેમની ગેરહાજરીમાં જ અનુક્રમે સાડા સાત વર્ષ અને 9 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. બંને અપરાધી કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ વિદેશ નાસી ગયાં હતાં જ્યારે આ કેસના ત્રીજા આરોપી ઇબરાર હુસેન (47)ને સાડા 6 વર્ષની કેદ કરાઇ હતી.
એહમદ બંધુઓ હાલ ક્યાં છે તેની જાણ નથી તેથી અદાલતે તેમની ધરપકડ માટે બેન્ચ વોરંટ જારી કર્યું છે. વેસ્ટ યોર્કશાયર અને લેન્કેશાયર પોલીસે અપરાધીઓને ભાગવામાં મદદ કરવાની શંકાના આધારે 8 વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં 26થી 76 વર્ષના 6 પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. હાલ આ તમામને પોલીસ કસ્ટડીમાં રખાયાં છે.
બ્રેડફોર્ડ ડિસ્ટ્રિક્ટ પોલીસના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર વિકી ગ્રીનબેન્કે જણાવ્યું હતું કે, અમે હાલ ફરાર થઇ ગયેલા બંને અપરાધીને ઝડપી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.