ગ્રૂમિંગ ઓફેન્સઃ બર્મિંગહામના પરવેઝ હુસૈનને 28 વર્ષની કેદ ફટકારાઇ

બળાત્કારી પરવેઝ હુસૈને સગીરાને મિઠાઇ અને વેપ્સની લાલચ આપી જાળમાં ફસાવી હતી

Tuesday 24th November 2026 09:07 EST
 
 

લંડનઃ બર્મિંગહામના બળાત્કારી પરવેઝ હુસૈનને એક કિશોરીને જાળમાં ફસાવી તેનું શોષણ કરવા અને તેને એસ્કોર્ટ તરીકે ભરતી કરવાનો પ્રયાસ કરવા બદલ જેલની સજા ફટકારવામાં આવી છે. પરવેઝ હુસૈને કિશોરીની ઉંમર અને લાચારીનો ફાયદો ઉઠાવીને તેને નિશાન બનાવી હતી. તે નિયમિતપણે કિશોરીનો સંપર્ક કરતો હતો અને તેને મીઠાઈ, દારૂ, વેપ્સ અને ડ્રગ્સની લાલચ આપતો હતો.

હુસૈને 2024 અને 2025 દરમિયાન બર્મિંગહામ અને વાલસોલમાં કિશોરી પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત, તે કિશોરીને કારમાં બેસાડીને અલગ-અલગ સરનામે લઈ જતો હતો, જ્યાં અન્ય પુરુષો પણ તેનું શારીરિક શોષણ કરતા હતા.

એપ્રિલ 2025માં હુસૈનની ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ, લોઝેલ્સના મોસ્ટિન રોડ સ્થિત રહેવાસી હુસૈનને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સોમવાર, 23 નવેમ્બરના રોજ વૂલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે તેને 28 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ કોર્ટે તેની સામે 'સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર' (જાતીય શોષણ નિવારણ આદેશ) પણ જારી કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter