લંડનઃ સ્ટાર્મર સરકારે મોટે ઉપાડે શરૂ કરેલી નેશનલ ગ્રૂમિંગ ગેંગ ઇન્કવાયરીનું બાળમરણ થવાની સંભાવના છે. સરકાર દ્વારા ઇન્કવાયરીના દાયરો નક્કી થયો નથી કે હજુ સુધી ઇન્કવાયરીનું નેતૃત્વ કરી શકે તેવા વરિષ્ઠ જ્યુડિશિયલ વ્યક્તિની નિયુક્તિ થઇ શકી નથી.
ઇન્કવાયરીની જાહેરાત થયાને ચાર મહિના વીતી ગયા હોવા છતાં તપાસની શરતો પર હજુ ચર્ચા ચાલી રહી છે. હજુ ઇન્કવાયરીના વડાની નિયુક્તિ પણ થઇ શકી નથી. જજિસ કે લોયર્સ આ ઇન્કવાયરીનું નેતૃત્વ કરવા તૈયાર પણ થઇ રહ્યાં નથી.
અધિકારીઓ હજુ ઇન્કવાયરીના વડાની નિયુક્તિ પર કામ કરી રહ્યાં છે. નિયુક્તિ થયા બાદ તેમના દ્વારા જ ઇન્કવાયરીની શરતો નક્કી થઇ શકશે. હજુ સુધી અધ્યક્ષ અને ઇન્કવાયરીની શરતો માટે એક પેનલની જ રચના થઇ શકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્કવાયરીમાં ફક્ત ગ્રૂમિંગ ગેંગના કેસ સામેલ કરવા કે બાળકોના જાતીય શોષણના કેસ પણ સામેલ કરવા તે અંગે કોઇ સહમતિ સાધી શકાઇ નથી. ઇન્કવાયરીનું નેતૃત્વ કરવા પણ કોઇ તૈયાર થઇ રહ્યું નથી તેથી સરકારને રાજકીય રીતે સંવેદનશીલ એવા મુદ્દા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.


