લંડનઃ એકતરફ સરકારને ગ્રૂમિંગ ગેંગની નેશનલ ઇન્કવાયરીનું નેતૃત્વ કરવા માટે યોગ્ય ઉમેદવાર પ્રાપ્ત થઇ રહ્યો નથી ત્યાં બીજીતરફ અધ્યક્ષપદ માટે અત્યાર સુધીના સંભવિત ઉમેદવારો પૈકીના બે પોતાનું નામ પાછુ ખેંચી ચૂક્યા છે. જિમ ગેમ્બલ અને એની હડસન ઇન્કવાયરીનું નેતૃત્વ કરવાનો ઇનકાર કરી ચૂક્યાં છે તો બીજીતરફ સર્વાઇવલ લાયઝન પેનલમાંથી પણ ગ્રૂમિંગ ગેંગની ચાર પીડિતાઓએ રાજીનામુ આપી દીધું છે. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે જણાવ્યું હતું કે, નેશનલ ઇન્કવાયરીના મામલે જે ધાંધિયા ચાલી રહ્યાં છે તે જોતાં સેફ ગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સે રાજીનામુ આપી દેવું જોઇએ.
ગયા સપ્તાહમાં ચાર પીડિતાઓએ આરોપ મૂક્યો હતો કે અધિકારીઓ ઇન્કવાયરીને હળવી બનાવવા અને ગ્રૂમિંગ ગેંગ પરથી ધ્યાન અન્યત્ર ભટકાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જોકે જેસ ફિલિપ્સે જણાવ્યું છે કે સરકાર એવી વ્યક્તિને ઇન્કવાયરીનું નેતૃત્વ સોંપશે જેને પીડિતાઓનો વિશ્વાસ હાંસલ હોય.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ઇન્કવાયરીનું નેતૃત્વ કરનારા સંભવિત ઉમેદવારોએ નામ પાછા ખેંચતા અમે હતાશ થયાં છીએ. આ એક અત્યંત સંવેદનશીલ મામલો છે. આપણે યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરવી જોઇએ પછી ભલે તેમાં થોડો વધુ સમય લાગે. હોમ મિનિસ્ટર શબાના માહમૂદે આશ્વાસન આપ્યુ છે કે ગ્રૂમિંગ ગેંગની નેશનલ ઇન્કવાયરીમાં કોઇ બદલાવ નહીં થાય. ઇન્કવાયરી ગ્રૂમિંગ ગેંગ પર જ તપાસ કેન્દ્રિત કરશે અને તેમાં કોઇ બદલાવ થવાનો નથી.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મેં અધ્યક્ષની નિયુક્તિ પહેલાં ઇન્કવાયરીને મદદ કરવા માટે ડેમ લ્યૂસી કેસીને નિયુક્ત કર્યાં છે. લ્યૂસીએ 2013માં પહેલીવાર ગ્રુમિંગ ગેંગ પરની ઇન્કવાયરીનો 200 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
મેયર સાદિક ખાન પર ગ્રૂમિંગ ગેંગ પીડિતાઓની મજાક ઉડાવવાનો આરોપ
મેયર સાદિક ખાન પર ગ્રૂમિંગ ગેંગની પીડિતાઓની મજાક ઉડાવવાનો આરોપ મૂકાયો છે. સર સાદિક ખાનના માનવા અનુસાર લંડનમાં ગ્રૂમિંગ ગેંગો સક્રિય જ નથી. નિવૃત્ત મેટ પોલીસ ડિટેક્ટિવ જોન વેજરે જણાવ્યું હતું કે, મેયર પીડિતોની મજાક ઉડાવી રહ્યાં છે. ગ્રૂમિંગ ગેંગ પરના એક સવાલના જવાબમાં મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, અમે સૌથી પહેલાં તો ડ્રગ ડિલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. લંડન એસેમ્બ્લીમાં કન્ઝર્વેટિવ નેતા સુસાન હોલે સવાલ કર્યા ત્યારે પણ સાદિક ખાને એમ જણાવ્યું હતું કે, ગ્રૂમિંગ ગેંગનો ઉલ્લેખ કરીને તમે શું કહેવા માગો છો તે હું જાણતો નથી. લંડનમાં સગીરાઓ સાથેના સંબંધોનો મામલો દેશમાં અન્ય ભાગો કરતાં અલગ છે. આ પ્રકારના શબ્દો ગ્રામીણ વિસ્તારોમાં વધુ વપરાતા હોય છે.


