ગ્રૂમિંગ ગેંગઃ હોમ ઓફિસની ઘોર બેદરકારી

હોમ ઓફિસના વિલંબના કારણે ગ્રૂમિંગ ગેંગો સામેના પુરાવા નાશ પામ્યાની સંભાવના, રેકોર્ડની જાળવણી માટેના આદેશ જારી કરવામાં 7 મહિનાનો વિલંબ થયોઃ સંસદીય સમિતિ

Tuesday 31st March 2026 11:55 EDT
 
 

લંડનઃ સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ દ્વારા રેકોર્ડની જાળવણીના આદેશોમાં થયેલા વિલંબને કારણે ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પુરાવા નષ્ટ થઇ ગયા હોઇ શકે છે. માહિતીના અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીઓ પરથી ખુલ્યું છે કે ગૃહ મંત્રાલયે પોલીસ વિભાગો અને અન્ય સંસ્થાઓને ગ્રૂમિંગ ગેંગ્સ સંબંધિત પુરાવાની જાળવણી માટે આદેશ આપવામાં 7 મહિનાનો સમય લગાવી દીધો હતો.

હોમ અફેર્સ કમિટીની અધ્યક્ષ ડેમ કેરન બ્રેડલીએ ગૃહ સચિવ શબાના મહમૂદને પત્ર લખી સ્પષ્ટતા માંગી છે કે આદેશ આપવામાં આટલો વિલંબ શા માટે થયો. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબાસમયથી જેની રાહ જોવાઇ રહી છે તે ગ્રૂમિંગ ગેંગો સામેની રાષ્ટ્રીય તપાસ આગામી સપ્તાહથી શરૂ થવાની છે.

ગત વર્ષે જૂનમાં બેરોનેસ કેસી ઑફ બ્લેકસ્ટોક દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રીય ઓડિટમાં હોમ ઓફિસને સંબંધિત એજન્સીઓને જરૂરી રેકોર્ડ્સ જાળવવા માટે ઔપચારિક રીતે આદેશ આપવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ હોમ ઓફિસે આદેશ આપવાની શરૂઆત 14 જાન્યુઆરીથી જ કરી હતી.

બ્રેડલીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સત્તામંડળો, પોલીસ વિભાગો અને અન્ય સંબંધિત એજન્સીઓને સંબંધિત દસ્તાવેજો જાળવી રાખવાની જરૂરિયાત અંગે સમયસર માર્ગદર્શન ન આપવાના કારણે ગ્રૂમિંગ ગેંગો અંગેની સ્વતંત્ર તપાસ માટે જરૂરી એવા કેટલાક રેકોર્ડ્સ નષ્ટ થઈ ગયા હોઈ શકે છે.

પુરાવાઓ નષ્ટ ન કરવા અંગેની ઔપચારિક સૂચના અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ પ્રકારના ગુનાઓમાંથી ઘણાં 2010ના દાયકામાં આચરાયા હતા અને ઘણી કાઉન્સિલો તથા એજન્સીઓની નીતિઓ મુજબ તેઓ માત્ર છ વર્ષ પછી રેકોર્ડ્સ નષ્ટ કરવાની મંજૂરી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter