ગ્રૂમિંગ ગેંગ્સઃ નેશનલ ઓડિટ, લોકલ ઇન્કવાયરીની ઘોષણા

નેશનલ ઇન્કવાયરીના સ્થાને ફક્ત પાંચ કાઉન્સિલમાં લોકલ ઇન્કવાયરી હાથ ધરવાની હોમ સેક્રેટરીની જાહેરાત, લૉયર ટોમ ક્રોધર લોકલ ઇન્કવાયરીમાં મદદ કરશે, બેરોનેસ લૂઇસ કેસીના નેતૃત્વમાં નેશનલ ઓડિટ કરાશે

Tuesday 21st January 2025 09:34 EST
 
 

લંડનઃ ગ્રૂમિંગ ગેંગ્સ પર રાષ્ટ્રવ્યાપી ઇન્કવાયરીની માગ સામે થોડું ઝૂકતાં હોમ સેક્રેટરી વેટ કૂપરે ગ્રૂમિંગ ગેંગના પુરાવાની રાષ્ટ્રવ્યાપી સમીક્ષા અને પાંચ લોકલ કાઉન્સિલમાં સરકાર સમર્થિત ઇન્કવાયરી હાથ ધરવાની યોજના જાહેર કરી છે. તેમણે દેશવ્યાપી ઇન્કવાયરી કરાવવાની જાહેરાત કરી નહોતી. જોકે આ નિર્ણય પણ સરકારના વલણમાં બદલાવના સંકેત આપી રહ્યો છે.

કૂપરે  જણાવ્યું હતું કે ટેલફોર્ડમાં ઇન્કવાયરીનું નેતૃત્વ કરનાર લૉયર ટોમ ક્રોધર ઓલ્ડહામ અને અન્ય ચાર પાયલટ એરિયામાં ઇન્કવાયરીમાં મદદ કરશે અને સ્વતંત્ર રિપોર્ટ જારી કરશે. તે ઉપરાંત ગ્રૂમિંગ ગેંગમાં સામેલ અપરાધીઓ કયા સમુદાયના છે તે ચકાસવા, પીડિતોની તપાસ કરવા અને અપરાધ પાછળ જવાબદાર પરિબળોની તપાસ માટે બેરોનેસ લૂઇસ કેસીના નેતૃત્વમાં નેશનલ ઓડિટ કરાશે. તેનો રિપોર્ટ 3 મહિનામાં જારી કરી દેવાશે.

કૂપરે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, પ્રોફેસર જેના રિપોર્ટ  અને અન્ય ઇન્કવાયરીઓ છતાં તેના પર બહુ ઓછા પગલાં લેવાયાં છે જે શરમજનક બાબત છે. પરંતુ હવે સ્થિતિ બદલાઇ જશે. સરકાર ઇસ્ટર સુધીમાં જેના રિપોર્ટમાં કરાયેલી ભલામણોના સંપુર્ણ સમલીકરણ માટેનું સમયપત્રક જાહેર કરી દેશે. 

કૂપરે જણાવ્યું હતું કે, દેશવ્યાપી તપાસ કરતાં સ્થાનિક સ્તરે ઊંડાણપુર્વક તપાસ વધુ સારા પરિણામ આપશે. આ માટે સરકાર દ્વારા 10 મિલિયન પાઉન્ડનું ભંડોળ પણ ફાળવવામાં આવી રહ્યું છે.

કન્ઝર્વેટિવ શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે, સરકારની યોજના અપુરતી છે, સરકારે દેશવ્યાપી ઇન્કવાયરીનો આદેશ આપવો જોઇએ. લોકલ ઇન્કવાયરીઓમાં સાક્ષીઓને શપથ દ્વારા પુરાવા આપવાની ફરજ પાડતી સત્તાનો અભાવ રહેશે.

લેબર સાંસદ સારા ચેમ્પિયને હોમ સેક્રેટરી કૂપરને સવાલ કર્યો હતો કે શું લોકલ ઇન્કવાયરી સાક્ષીને પુરાવા આપવા માટે સમન્સ પાઠવી શકશે. ઇન્કવાયરીમાં કોઇપણ પ્રકારનો ઢાંકપિછોડો થવો જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter