લંડનઃ બ્રિટનમાં રેકોર્ડ સ્તર પર પહોંચેલા ઇમિગ્રેશનને ઘટાડવાની યોજના અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને જો તેઓ ગ્રેજ્યુએટ લેવલની નોકરી પ્રાપ્ત નહીં કરે તો તેમને યુકેમાં રહેવા દેવાશે નહીં. હાલ વિદેશી વિદ્યાર્થી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ પૂરો થાય અને નોકરી ન મળે તો પણ બે વર્ષ સુધી યુકેમાં રહી શકે છે. જો તેમને લોઅર સ્કીલ્ડ જોબ મળે તો પણ તેઓ વર્ક વિઝા પ્રાપ્ત કરી શકે છે. સરકાર ઇમિગ્રેશન પરના વ્હાઇટ પેપરમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ઊંચા ધોરણો સ્થાપિત કરવા વિચારણા કરી રહી છે. ટૂંકસમયમાં આ વ્હાઇટ પેપર જારી કરાશે.
આ પહેલાં માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના ચેરમેન બ્રાયન બેલ પણ જણાવી ચૂક્યાં છે કે ગ્રેજ્યુએટ સેલેરી લેવલ 36,000 પાઉન્ડથી 40,000 પાઉન્ડ વચ્ચે વ્યાખ્યાયિત કરાશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સેલેરી લેવલ એટલું ઊંચુ નહી રખાય પરંતુ જે નોકરીઓમાં કેટલાક વર્ષો બાદ પગાર ચોક્કસ સ્તરથી આગળ વધતો નથી તેવી નોકરીઓને ટાર્ગેટ બનાવાશે.
નવ મહિનાની માસ્ટર્સ ડિગ્રી સહિત પોતાનો અભ્યાસક્રમ સફળતાપુર્વક પૂરો કરનાર વિદેશી વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ વિઝા અપાય છે. તેમાં વિદ્યાર્થીને નોકરી ન મળી હોય તો પણ યુકેમાં બે વર્ષ અને પીએચડી બાદ 3 વર્ષ રહેવાની પરવાનગી અપાય છે.
કમિટીના અંદાજ અનુસાર 2024માં 1,50,000 વિદેશી વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ વિઝા જારી કરાયા હતા. જેમાં 40 ટકા કરતાં વધુ હિસ્સો ભારતીય વિદ્યાર્થીઓનો હતો. સૌથી વધુ ગ્રેજ્યુએટ વિઝા ભારત, નાઇજિરિયા, ચીન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને જારી કરાયાં હતાં. તેમાંથી 43 ટકાને નોકરી હાંસલ થતા તેમને સ્કીલ્ડ વર્કર વિઝા મળ્યાં હતા જ્યારે 50 ટકા વિદેશી વિદ્યાર્થી યુકે છોડી ગયાં હતાં.