લંડનઃ માઇગ્રેશન ઘટાડવા માટે સરકાર ગ્રેજ્યુએટ વિઝા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હોમ ઓફિસ હવે ગ્રેજ્યુએટ વિઝા રૂટમાં મોટાપાયે બદલાવ કરવા જઇ રહી છે. જેના પગલે હાઇ સ્કીલ્ડ જોબ હાંસલ નહીં કરનારા વિદેશી સ્નાતકોને ગ્રેજ્યુએટ વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જૂન 2025 સુધીમાં નેટ માઇગ્રેશનનો આંકડો 7,28,000ને સ્પર્શી ગયો હતો. સરકાર નેટ માઇગ્રેશન બેથી 3 લાખની વચ્ચે લાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. જોકે એજ્યુકેશન સેક્ટર સરકારની આ કવાયતનો વિરોધ કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે સરકારના આ પગલાથી યુનિવર્સિટી સેક્ટર બરબાદ થઇ જશે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા બિલિયનો ડોલર ટ્યુશન ફી પેટે ચૂકવવામાં આવે છે અને યુકેની ઘણી યુનિવર્સિટીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફીની આવક પર જ નિર્ભર છે.
હોમ ઓફિસના સૂત્રના જણાવ્યા અનુસાર નેટ માઇગ્રેશનમાં ઘટાડો અમારી ટોચની પ્રાથમિકતા છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ.
હાલના નિયમો પ્રમાણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અભ્યાસ પૂરો થયો પછી કોઇપણ પ્રકારની નોકરી વિના પણ યુકેમાં બે વર્ષ વસવાટ કરી શકે છે. પરંતુ સરકાર હવે આ નિયમમાં બદલાવની તૈયારી કરી રહી છે.
સરકારની યોજના અનુસાર ગ્રેજ્યુએશન બાદ વિદેશી વિદ્યાર્થીએ ગેજ્યુએટ વિઝા હાંસલ કરવા માટે હાઇ સ્કીલ્ડ જોબ પ્રાપ્ત કરવી પડશે. તેમાં પગારધોરણ પ્રતિ વર્ષ 36,000થી 40,000 પાઉન્ડ રખાય તેવી સંભાવના છે.
સરકાર જે સેક્ટરોમાં વેતન વધારાની સંભાવના ઓછી છે તેવા સેક્ટરના ગ્રેજ્યુએટની સંખ્યા મર્યાદિત કરવા વિચારણા કરી રહી છે. હાલ નેટ માઇગ્રેશનમાં ગ્રેજ્યુએટ વિઝાની હિસ્સેદારી 10 ટકા છે. ગયા વર્ષે 1,50,000 ગ્રેજ્યુએટ વિઝા જારી કરાયાં હતાં.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હોમ ઓફિસ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યાં છે. તેઓ માઇગ્રેશન પોલિસીને એજ્યુકેશન અને સ્કીલ સાથે સાંકળી લેવા માગે છે જેથી સ્થાનિક સ્કીલ્ડ વર્કર્સના ભોગે ઇમિગ્રેશનને લાભ થાય નહીં.