લંડનઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝાના ગ્રેજ્યુએટ રૂટની સમીક્ષા કરવા યુકે સરકાર દ્વારા માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની રચના કરાયા બાદ યુકેમાં ભારતીય મૂળના યુવાઓ અને ભારતીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌથી જૂની અને મોટી સંસ્થા નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્નીયુનિયન યુકેએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બચાવવા અભિયાન શરૂ કર્યું છે.
મે 2024માં માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ કરાય તે પહેલાં સંસ્થા દ્વારા ફેર વિઝા ફેર ચાન્સ નામનું અભિયાન શરૂ કરાયું છે. યુકેના ઇન્ટરનેશનલ હાયર એજ્યુકેશન કમિશનના કમિશ્નર અને સંસ્થાના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, યુકેમાં અભ્યાસ પૂરો કર્યા બાદ કામ કરવાની પરવાનગી ફરીવાર અપાઇ તેના થોડા જ વર્ષોમાં આપણે આ નીતિના બચાવમાં આગળ આવવું પડ્યું તે અત્યંત દુઃખની બાબત છે. ગ્રેજ્યુએટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વની જરૂરીયાત છે. આ નીતિ ફરી શરૂ કરાવવા માટે અમે સાત વર્ષ સંઘર્ષ કર્યો હતો અને હવે તેને બચાવવા માટે પણ જરૂરી અભિયાન ચલાવીશું. ગ્રેજ્યુએટ વિઝા વિના યુકેની યુનિવર્સિટીઓ નાદાર થઇ જશે અને તેની અસર ફક્ત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર જ નહીં પરંતુ ઘરેલુ બ્રિટિશ વિદ્યાર્થીઓ પર પણ પડશે.

