લંડનઃ ગ્રેજ્યુએટ વિઝા રૂટ દ્વારા યુકેની હાયર એજ્યુકેશનની ગુણવત્તા અને વિશ્વસનિયતા ઘટી રહી છે કે કેમ અને માઇગ્રન્ટ્સ દ્વારા તેનો દુરુપયોગ થાય છે કે કેમ તેની સમીક્ષા કરવા હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ આદેશ આપ્યો છે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને પાઠવેલા પત્રમાં ક્લેવરલીએ વિઝા રૂટ દ્વારા યુકેને તેજસ્વી લોકો પ્રાપ્ત થઇ રહ્યાં છે કે કેમ તેની ચકાસણી કરવા જણાવ્યું છે. વિઝા રૂટ દ્વારા યુકે આવતા વિદેશીઓ ગ્રેજ્યુએશન કર્યા બાદ બે અથવા ત્રણ વર્ષ યુકેમાં રહી શકે છે.
ડિસેમ્બરમાં સરકારે જાહેરાત કરી હતી કે તે ગ્રેજ્યુએટ વિઝા રૂટની સમીક્ષા કરવા માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને જણાવશે. ગયા સપ્તાહમાં જાહેર થયેલા પત્રમાં કમિટીને વિઝા રૂટની સમીક્ષા કરવાનો સત્તાવાર આદેશ આપી દેવાયો છે. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, હું જોવા ઇચ્છું છું કે વિઝા રૂટનો દુરૂપયોગ તો નથી થઇ રહ્યો ને.. સ્ટડી વિઝાનો ઉપયોગ શિક્ષણ મેળવવાને બદલે ઇમિગ્રેશન માટે થઇ રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
ગયા મહિનામાં યુનિવર્સિટીઓ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુકેમાં આવતા અટકાવતી સરકારની નીતિઓ શહેરો અને નાના નગરોના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. યુકેમાં અભ્યાસ કર્યા બાદ વર્ક ઓફર માટે સરકારની પ્રતિબદ્ધતામાં પ્રવર્તતી અનિશ્ચિતતાના કારણે સંભવિત વિદ્યાર્થીઓના નિર્ણય પર અસર થઇ રહી છે.