લંડનઃ યુકેમાં સીનિયર સિટિઝન્સ એટલે કે દાદા-દાદીની સંખ્યા વધી રહી છે ત્યારે હાઈ સ્ટ્રીટ ગીફ્ટ્સ અને ગ્રીટિંગ્સ રિટેઈલર ક્લિન્ટ્સ તેમના ગ્રેટ-ગ્રાન્ડપેરન્ટ્સ કાર્ડની રેન્જ વધારવા વિચારી રહેલ છે. ૭૦ અને તેથી વધુ વયના લોકો માટેના કાર્ડ્સના વેચાણમાં ગયા વર્ષે ૧૧૬ ટકાનો વધારો નોંધાયો હતો.
૨૦૧૭માં પોતાની ૯૦મી, ૯૫મી અને ૧૦૦મી વર્ષગાંઠ ઉજવનારા લોકો માટે ૧૦૦,૦૦૦થી વધુ શુભેચ્છા કાર્ડ્સનું વેચાણ થવાની ધારણા છે. યુકેમાં ૯૦ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા ૫૦ લાખ જેટલી છે અને સદી વટાવનારાની સંખ્યા ૧૪,૫૭૦ છે, જે ગત દાયકાની સરખામણીએ ૬૫ ટકાનો વધારો સૂચવે છે. આશરે ૧,૦૦૦ લોકો ૧૦૫ વર્ષની વય ધરાવે છે.
એક અંદાજ અનુસાર, યુકેમાં ૧૪ મિલિયન ગ્રાન્ડપેરન્ટ્સ છે, જેમાંથી ૧.૫ મિલિયનની વય ૫૦થી નીચે છે. આ જૂથનો મોટો હિસ્સો ગ્રેટ-ગ્રાન્ડપેરન્ટ એટલે કે પરદાદા-પરદાદી બની શકે છે. ક્વીન દર વર્ષે દર વર્ષે ૧૦૦ અને ૧૦૫ કે તેથી વધુ વયના વયોવૃદ્ધોને તેમના જન્મદિને આશરે ૨,૦૦૦ જેટલા કાર્ડ્સ મોકલે છે. આ માટે સરકારી વિભાગમાં ખાસ સ્ટાફ પણ રખાયો છે.

