લંડનઃ 1988માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ગ્રેટ બ્રિટનની હોકી ટીમમાં સામેલ ઇમરાન શેરવાનીનું 63 વર્ષની વયે નિધન થયું છે. શેરવાની 2019થી અલ્ઝાઈમરથી પીડાતા હતા. શેરવાનીએ ગ્રેટ બ્રિટન અને ઇંગ્લેન્ડની હોકી ટીમમાં 94 વાર મેચ રમી ચૂક્યાં છે. સિઓલમાં વેસ્ટ જર્મની સામેની ફાઇનલ મેચમાં 3-1ના સ્કોરમાં શેરવાનીના 2 ગોલ હતા. શેરવાની ગ્રેટ બ્રિટન વતી હોકી રમનારા ત્રીજા એશિયન ખેલાડી હતા. 1988ની ટીમમાં સુતિન્દર કેહર અને કુલબિર ભૌરા તેમના એશિયન સાથી હતા.
ઇમરાન શેરવાનીનો પરિવાર રમતો સાથે સંકળાયેલો છે. તેમના પિતા પાકિસ્તાન વતી હોકી રમી ચૂક્યા છે જ્યારે તેમના કાકાઓ સ્ટોકસિટી અને પોર્ટ વેલ માટે ફૂટબોલ રમતા હતા.
ગ્રેટ બ્રિટન હોકીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રિચ બિયરે જણાવ્યું હતું કે, ઇમરાન શેરવાનીને હંમેશા ઇંગ્લેન્ડ અને ગ્રેટ બ્રિટનના સાચા આઇકોન તરીકે યાદ કરાશે.


