લંડનઃ ગ્રેટ બ્રિટિશ રેલવેઝ ધામધૂમથી પાછી આવી રહી છે. ત્રણ દાયકા પછીના ધરમૂળ ફેરફારમાં ફ્રેન્ચાઈઝ સિસ્ટમ રદ કરાઈ છે. હવે ૨૦,૦૦૦ માઈલના પાટાઓ પર નેટવર્ક રેલનું સ્થાન ગ્રેટ બ્રિટિશ રેલવેઝ લેશે અને ભાડું પણ સસ્તું થશે. કોમન્સમાં મૂકાયેલા વ્હાઈટ પેપરમાં સુધારાઓમાં ફ્લેક્સિબલ સીઝન ટિકિટનો પણ સમાવેશ થશે જેનું વેચાણ આગામી મહિનાથી શરુ કરાશે.
રેલવે ઈન્ડસ્ટ્રીમાં પ્રાઈવેટાઈઝેશનના ત્રણ દાયકા પછી ધરમૂળ ફેરફારમાં રેલવેઝના ૨૦,૦૦૦ માઈલના ટ્રેક્સ, સિગ્નલ્સ અને ટનલ્સ સહિત ચાવીરુપ ક્ષેત્રોનું સંચાલન નેટવર્ક રેઈલના બદલે નવી જાહેર સંસ્થા ગ્રેટ બ્રિટિશ રેલવેઝ (GBR) સંભાળશે. વડા પ્રધાન જ્હોન મેજરે ૧૯૯૩માં દાખલ કરેલી ટોરી પોલિસીનો અંત લાવતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે આ ગૂંચવાડાભરેલી સિસ્ટમ પેસેન્જર્સ માટે નિષ્ફળ રહી હતી.નેટવર્ક રેઈલ માત્ર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી અને નિભાવ ધરાવે છે. સરકારે મહામારીના આરંભે જ રેલવેઝ માટે ૧૦ બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું ત્યારથી જ રેલ ફ્રેન્ચાઈઝીસનો દેખીતો અંત આવ્યો હતો. આ પ્રસ્તાવો માટે નવો કાયદા લાવવાની આવશ્યકતા નથી એટલે આગામી મહિનાથી તેમના પર અમલ શરુ કરી દેવાશે.
GBR સંસ્થા પાસે મોટા ભાગના ભાડાં અને ટાઈમટેબલ નિશ્ચિત કરવા, ટિકિટોના વેચાણ અને ટ્રેનો ચલાવવા ખાનગી ફર્મ્સને કોન્ટ્રાક્ટસ આપવાની વધારાની સત્તા પણ હશે. હાલ ટાઈમ ટેબલ્સ ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરાય છે અને ભાડાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નક્કી કરાય છે. સુધારાઓમાં ફ્લેક્સિબલ સીઝન ટિકિટનો પણ સમાવેશ થશે જેનાથી પ્રવાસીઓ ૨૮ દિવસના સમયગાળામાં વધુ આઠ દિવસ અથવા મહિના માટે એક સપ્તાહમાં બે ટ્રિપ્સ કરી શકશે. પરંપરાગત સાત દિવસની સીઝન ટિકિટ કરતાં નવી ટિકિટ્સ વધુ સસ્તી રહેશે અને પરિણામે વધુ ગ્રાહકો રેલવેઝમાં પાછાં ફરશે તેવી આશા છે. લંડનની ઓયસ્ટર સિસ્ટમ જેવી કોન્ટેક્ટલેસ પે-એઝ-યુ-ગો ટ્રેન ટ્રાવેલ તમામ નગરો અને શહેરોમાં પણ શરુ કરાશે.
GBR દ્વારા ટિકિટોનું વેચાણ કરાશે એટલે આવક સીધી તેની પાસે જ આવશે અને ઓપરેટર્સને લક્ષ્યાંક આધારિત કામગીરી બદલ ઓપરેટર્સને ચૂકવણી કરાશે. વર્તમાન ફ્રેન્ચાઈઝ મોડેલના સ્થાને ‘કન્સેશન’ એગ્રીમેન્ટ કરાશે જેમાં રેલવે સેવા ચલાવવા માટે ભાડાંની આવક નહિ પરંતુ, ચોક્કસ ફી મળશે. જો ખાનગી કંપનીઓ સમયસર ટ્રેન નહિ ચલાવે અથવા કેરેજીસમાં ગંદકી સાથે ટ્રેનો ચલાવશે તો સંપૂર્ણ ફી નહિ મળે.