લંડન
ટોરી નેતા બોરિસ જ્હોન્સનની લોકલ કાઉન્સિલે જણાવ્યું છે કે અલ્ટ્રા લો એમિશન ઝોનના વિસ્તરણે લંડનના પરા વિસ્તારોમાં રહેતા લોકોમાં અત્યંત રોષ પેદા કર્યો છે. હિલિંગડન કાઉન્સિલના નેતા ઇયાન એડવર્ડ્સે જણાવ્યું હતું કે લંડનના પરાવિસ્તારના લોકો ઉલેઝમાં અન્યાયી વધારાનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. ઉલેઝના વિસ્તરણ દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારો અને વૃદ્ધો પર અસહ્ય બોજો નાખ્યો છે. મારા એક દાયકાના કાર્યકાળમાં રહેવાસીઓ મધ્યે કોઇપણ મુદ્દે આટલો રોષ મેં ક્યારેય જોયો નથી.
હિલિંગડન, હેરો, બેક્સલે, બ્રોમલે અને સરે કાઉન્ટી કાઉન્સિલ પર ટોરી પાર્ટીનો કબજો છે. તેમણે 29 ઓગસ્ટ 2023થી ઉલેઝનું વિસ્તરણ કરવાના લંડનના મેયર સાદિક ખાનની ન્યાયિક સમીક્ષા માટે અરજી કરી છે.
ઓરિજિનલ સેન્ટ્રલ લંડન માટે ઉલેઝની યોજના તૈયાર કરનાર સાંસદ જ્હોન્સને જણાવ્યું હતું કે, ગ્રેટર લંડનમાં ઉલેઝનો અમલ પાગલપન અને અન્યાયી રીતે ટેક્સની વસૂલાત છે. એડવર્ડ્સે ચેતવણી આપી છે કે જો ટીએફએલના અધિકારીઓ ઉલેઝ કેમેરા અને રોડ સાઇન લગાવવા અમારા વિસ્તારમાં પ્રવેશસે તો અમે તેમની સામે કાયદાકીય પગલાં લઇશું.
ઉલેઝના વિસ્તરણ પર 10 ડાઉનિંગ સ્ટ્રીટ રોક લગાવે તેવી સંભાવના
લંડનના ઉલેઝ વિસ્તરણના મેયર સાદિક ખાનના નિર્ણય પર 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા રોક લગાવવામાં આવે તેવી સંભાવના છે. મેયર સાદિક ખાનના નિર્ણયની વ્હાઇટહોલના સત્તાવાળાઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે કે તેમના દ્વારા ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટ અંતર્ગત અપાયેલી સત્તાઓનો દુરુપયોગ કરાયો તો નથી ને. સરકાર લંડનના મેયરના પ્રસ્તાવોને વીટો પાવરનો ઉપયોગ કરીને રદ કરી શકે છે.


