બ્રિસ્ટોલઃ હજારો લોકો અને મુખ્યત્વે શાળાઓ છોડીને આવેલા વિદ્યાર્થીઓ બ્રિસ્ટોલ શહેરમાં શુક્રવાર ૨૮ ફેબ્રુઆરીએ વરસતા વરસાદ વચ્ચે ક્લાઈમેટ સ્ટ્રાઈકમાં સામેલ થયા હતા. ૧૭ વર્ષીય ક્લાઈમેટ કેમ્પેઈનર ગ્રેટા થનબર્ગે બ્રિસ્ટોલ યુથ સ્ટ્રાઈક ફોર ક્લાઈમેટ રેલીને સંબોધન કર્યું હતું. ગ્રેટાએ જણાવ્યું હતું કે સરકારો બાળકોની માફક વર્તન કરી રહી છે આથી, યુવાનોએ જ કામ કરવું પડશે. રેલીને સંબોધતી ગ્રેટાને નિહાળવા લોકો બસના શેલ્ટર્સ, વૃક્ષો પર ચડી ગયા હતા તેમજ મકાનોની બારીઓમાંથી જોતા હતા.
પીળા રેઈનકોટ અને ઉનની હેટમાં સજ્જ સ્વીડિશ ટીનેજર ગ્રેટાએ વિશ્વની સરકારો અને મીડિયાની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે ‘સત્તાધારીઓ ક્લાઈમેટ કટોકટીને નજરઅંદાજ કરી રહ્યા છે. આ લોકોએ ફરી એક વખત તેમનો કચરો વાળીને શેતરંજી હેઠળ ઠાલવી દીધો છે. હવે તેમના સંતાનો, આપણે યુવાનોએ તેમના માટે આ સફાઈકામ કરવું પડશે. આપણે કામ ચાલુ રાખવું પડશે અને ધીરજ રાખવી પડશે. રાતોરાત કશું બદલાઈ જવાનું નથી છતાં, દુનિયામાં આગ લાગી હોય ત્યારે બેસી રહેવાય નહિ.’
સવારે ગ્રીન કોલેજની બહાર ૩૦,૦૦૦ જેટલા દેખાવકારો એકત્ર થયા હતા અને સમગ્ર શહેરમાં રેલી સ્વરુપે ફર્યા હતા. દેખાવકારોના હાથમાં ‘પ્રકૃતિ બદલાઈ રહી છે તો આપણે કેમ નહિ?’ ‘દુનિયાનો કોઈ ઓપ્શન-બી નથી. સમુદ્રનો ફેલાવો વધી રહ્યો છે, આપણે ક્યારે સમજીશું?’ સહિતના બેનર્સ જોવા મળ્યા હતા. દુનિયાભરની સરકારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા કે સરકારો જાગો, અમારે ડૂબવું નથી. અત્યાર સુધી નહિ સમજીએ તો બીજી તક નહિ મળે.