લંડનઃ ગ્લવ્સ પહેરવાથી કદાચ લોકોને કોવિડ-૧૯થી રક્ષણ મળશે નહિ કારણકે તે સલામતીનો ખોટો અનુભવ કરાવે છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના ઈન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડો. એલીસન બાર્ટલેટે ચેતવણી આપી હતી કે ગ્લવ્સ પહેરવાથી સુરક્ષા મળતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાઓએ જણાવ્યું હતું કે વારંવાર હાથ ધોવા તે જ આ વાઈરસને ફેલાતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે અને તેનાથી વાઈરસના ચેપનું જોખમ ઘટે છે. પરંતુ, વાઈરસ વિશે ઉત્સુક ઘણાં લોકો માસ્ક પહેરવાની માફક જ ગ્લવ્સનો ઉપયોગ કરે છે. ડો. બાર્ટલેટ માને છે કે આવું કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેઓ કોઈ સંક્રમિત સપાટીને સ્પર્શે તો વાઈરસ ગ્લવ્સ પર લાગી જાય છે. તેમણે ઉમેર્યું કે ગ્લવ્સ પહેરવાથી લોકોને તેમના હાથ સુરક્ષિત હોવાની ખોટી લાગણી થાય છે. તેમના હાથ પર વાઈરસ લાગેલો હોય અને તેઓ તેમની આંખો,નાક અથવા મોંને સ્પર્શે તો કોરોના વાઈરસનો ચેપ લાગી શકે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ડોક્ટરો યોગ્ય રીતે ગ્લવ્સના ઉપયોગની પ્રક્રિયાનું કડક પાલન કરતા હોવા છતાં તેનાથી હાથના સંક્રમણ સામે ગ્લવ્સ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને યુરોપિયન CDCએ ગાઈડલાઈન્સ જારી કરી છે જેમાં જણાવાયું છે કે ગ્લવ્સથી આપને કોવિડ-૧૯ સામે રક્ષણ મળે તે જરૂરી નથી, જંતુઓનો ફેલાવો વધી શકે છે.