ગ્લાસગો કોમનવેલ્થઃ મહત્વની રમતોની બાદબાકીથી ભારતમાં ઉગ્ર આક્રોશ

ભારતીય ખેલાડીઓ નિપુણ છે તેવી ક્રિકેટ, હોકી, બેડમિંગ્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, રગ્બી, ટ્રાયથ્લોન અને સ્ક્વોશની રમતો રદ કરાઇ

Monday 28th October 2024 10:53 EDT
 
 

લંડનઃ વર્ષ 2026માં ગ્લાસગો ખાતે આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ, હોકી, બેડમિંગ્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, રગ્બી, ટ્રાયથ્લોન અને સ્ક્વોશ સહિતની રમતોની બાદબાકી કરી દેવાતા ભારતીય રમત જગતમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજકો અગાઉ ભારત જે રમતમાં સૌથી વધુ મેડલ જીતતો હતો તે શૂટિંગની બાદબાકી કરી જ ચૂકયાં છે.

ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કુલ મળીને 61 મેડલ જીત્યા હતા, જેમાંથી 30 મેડલ આ રમતોના હતા. ભારતે બેડમિંટનમાં ૬ ક્રિકેટમાં એક, હોકીમાં બે, સ્ક્વોશમાં બે, ટેબલ ટેનિસમાં સાત, અને કુસ્તીમાં 12 મેડલ જીત્યા હતા. હવે આગામી ગેમ્સમા જો આ રમતો નહીં હોય તો ભારતના મેડલ ઘટશે તે નક્કી લાગી રહ્યું આ જ કારણે ભારતીય જગતમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગની રમતની બાદબાકી કરવામાં આવી, ત્યારે પણ ભારતે વિરોધ નોંધાવ્યો હતો, પણ આયોજકો તેમના નિર્ણય પર અફર રહ્યા હતા. છેલ્લે 2022માં ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાઈ, ત્યારે તેમાં કુલ મળીને ૧૯ ૨મતો સામેલ હતી. જ્યારે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં માત્ર 10 જ રમતોને સામેલ કરવામાં આવી છે. 

પડતી મૂકાયેલી રમતો

બેડમિંટન, બીચ વોલીબોલ, ક્રિકેટ, હોકી, રગ્બી સેવન, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, ટ્રાયથ્લોન, કુસ્તી.

ફક્ત 10 રમત સામેલ

સ્વિમિંગ, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ થ્રી ઓન થ્રી, બોકિસંગ, સાઈકિલંગ, જીમ્નાસ્ટીક, જુડો, લોન ટેનિસ, નેટ બોલ, વેઈટલિફ્ટિંગ.

ભારત જેવા દેશોનો વિકાસ રૂંધવાનો પ્રયાસ, હવે તેમાં ભાગ લેવાનું બંધ કરી દેવું જોઈએઃ ગોપીચંદ

ભારતના લેજન્ડરી બેડમિંગ્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદે ગ્લાસગો ગેમ્સના આયોજકોના નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, બેડમિંગ્ટનને કોમનવેલ્થ ગેમ્સમાંથી પડતા મૂકવાનો નિર્ણય મારા માટે આંચકાજનક રહ્યો. તેઓ જાણી જોઈને ભારતનો વિકાસ રૂંધવા માટે આ પ્રકારના પગલા ભરતા હોય તેમ લાગી રહ્યું છે. ભારતે યોગ્ય સત્તાધીશો સામે આ મામલે પ્રશ્નાર્થ સર્જવો જોઈએ. ભારતીય કોચ વિમલ કુમારે કહ્યું કે, મારા મત પ્રમાણે તો ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાનું જ બંધ કરી દેવું જોઈએ. બેડમિંગ્ટનને પડતી મૂકવાનો નિર્ણય ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને નિરાશાજનક છે. 

આંચકાજનક અને નિરાશ કરનારો નિર્ણયઃ ભારતીય ખેલાડીઓ

ટેબલ ટેનિસની ખેલાડી શરથ કમલે જણાવ્યું હતું કે, ટેબલ ટેનિસને પડતી મૂકવાનો નિર્ણય ખિન્ન કરનારો છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે ૧૦ રમતોમાં ટેબલ ટેનિસ સામેલ નથી. દૂર કરવામાં આવેલી તમામ રમતને ફટકો પડ્યો છે. જોકે આયોજકોને ટૂંકા ગાળામાં આયોજનની ફરજ પડી છે. સ્ક્વોશની ખેલાડી દીપિકા પલ્લીકલે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સ્કવોશની રમત બે ડગલા પાછળ ધકેલાઈ ગઈ છે. કોમનવેલ્થ દેશોને મોટો ફટકો પડ્યો છે. સ્ક્વોશ તો દરેક રમત સ્પર્ધામાં હોવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter