ગ્લાસગોઃ બ્રેડફર્ડના ૩૨ વર્ષીય સુન્ની મુસ્લિમ તનવીર એહમદને ગ્લાસગોના ૪૦ વર્ષીય શોપકીપર અસદ શાહની હત્યા બદલ ગ્લાસગો કોર્ટની હાઈકોર્ટના જજ લેડી રેએ ઓછામાં ઓછા ૨૭ વર્ષના કારાવાસ સાથે આજીવન કેદની સજા ફરમાવી હતી. અસદ ઈસ્લામનો અનાદર કરતો હોવાનો દાવો કરીને ધર્મઝનૂનથી પ્રેરાઈને તેની હત્યા કરી હોવાનું તેણે કબુલ્યું હતું. તનવીરને સજા સંભળાવાઈ ત્યારે કોર્ટમાં અસદ શાહના પરિવારમાંથી કોઈ હાજર ન હતું.
તનવીરે ગત ૨૪ માર્ચે શોલેન્ડ્સમાં સ્ટોર બહાર છૂરાના ઘા મારીને શાહની હત્યા કરી હતી કારણ કે અસદે પોતે પયગમ્બર હોવાનો દાવો કરતો વીડિયો ઓનલાઈન મૂક્યો હતો. અસદ શાહ એહમદી મુસ્લિમ હતા. આ લઘુમતી પંથને તમામ મુસ્લિમો માન્ય રાખતા નથી. અસદની માન્યતાને લીધે લોકો તેમની સતામણી કરતા હતા. તેનાથી બચવા માટે તેઓ પરિવાર સાથે '૯૦ના દાયકામાં પાકિસ્તાનથી સ્કોટલેન્ડ આવ્યા હતા. તનવીરને સજા સંભળાવતા જજ લેડી રેએ જણાવ્યું હતું કે આ એક નિર્દયી, પૂર્વઆયોજિત અને સ્થાનિક કોમ્યુનિટીના લોકપ્રિય વ્યક્તિની તદ્દન અન્યાયી હત્યા હતી.
હત્યાના દિવસે એહમદ ગ્લાસગો ગયો ત્યારે તેણે પોતાના મોબાઈલ ફોનમાં અસદ શાહના ફોટો જોયો અને તેની સાથેના ફોન મેસેજમાં જણાવાયું હતું કે આ વ્યક્તિને સાંભળો. તેનું કઈંક કરવું પડશે. તનવીરે શોપ પર પહોંચીને અસદને જણાવ્યું હતું કે તે તેની હત્યા કરવા માટે આવ્યો છે. તનવીરે પયગમ્બર હોવાનો દાવો ન કરવા અસદને કહ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં તનવીર અસદ પર છૂરાના સંખ્યાબંધ ઘા કરતો નજરે પડ્યો હતો.
ધરપકડ બાદ તનવીરે તેના વકીલ દ્વારા નિવેદનમાં જણાવ્યું હતું કે અસદ પયગમ્બર હોવાનો ખોટો દાવો કરતો હતો તેથી મેં તેની હત્યા કરી છે.


