લંડનઃ ગ્લાસગો (સ્કોટલેન્ડ) સ્થિત યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડના કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ડાર્સી ધાન્ડાને પ્રતિષ્ઠિત બાફ્ટા યંગ ગેમ ડિઝાઇનર્સ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. તેણે ભારતમાં ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકના જીવન પર આધારિત એક વિશેષ ગેમ તૈયાર કરી છે. ધાન્ડાએ તૈયાર કરેલી માયા નામની ગેમ માટે તેને 15થી 18 વર્ષની વયજૂથની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગના વડા પ્રોફેસર માર્ટિન હેલ્વીએ જણાવ્યું હતું કે, ડાર્સીનું નોમિનેશન તેની સર્જનાત્મકતા અને ગેમ ડિઝાઇનના માધ્યમથી અર્થપૂર્ણ વાર્તાઓ રજૂ કરવાની ક્ષમતા દર્શાવે છે. આ ગેમની મિકેનિક્સ વાસ્તવિક જીવનની કામકાજની સ્થિતિને આબેહૂબ રજૂ કરે છે અને ખેલાડીઓને માયાની વાસ્તવિકતાની ઝાંખી કરાવે છે.
પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરતા ડાર્સી ધાન્ડાએ જણાવ્યું કે, હું કંઈક એવું બનાવવા માંગતો હતો જેનાથી લોકો ભાવનાત્મક રીતે જોડાઈ શકે. જ્યારે તમે સિલાઈ મશીન પર લાંબો સમય વિતાવો છો, ત્યારે તેની વારંવાર બદલાતી પ્રક્રિયાઓ પણ એ પ્રકારના કામના કારણે શરીર પર પડતા શારીરિક શ્રમને દર્શાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. લોકો સામાન્ય રીતે આ વાસ્તવિકતાઓ વિશે વિચારતા નથી.
આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત આગામી ગુરુવાર 18 જૂનના રોજ બાફ્ટાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કરવામાં આવશે.


