ગ્લાસગોઃ ઈમિગ્રેશન વાનની મડાગાંઠ પછી અટકમાં લેવાયેલા બે રેફ્યુજીને એક દિવસના ભારે વિરોધ પછી મુક્ત કરી દેવાયાના પગલે ગ્લાસગોવાસીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. ખુશીથી નારેબાજી કરતા સ્થાનિક લોકો મુક્ત રેફ્યુજીસને સ્થાનિક મસ્જિદમાં લઈ ગયા હતા.અગાઉ, સેંકડો માણસોએ પોતાના પડોશીને છોડી દેવા માગણી કરી હતી. કેમ્પેઈનરોએ મુસ્લિમોના તહેવાર ઈદ-અલ-ફિત્ર દરમિયાનની આ ઘટનાને ગ્લાસગોના વિજય તરીકે ઓળખાવી હતી.
ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના સ્ટાફ દ્વારા ૧૩ મે ગુરુવારની સવારે પોલોકશિલ્ડ્સની એક પ્રોપર્ટીમાંથી બે વ્યક્તિને અટકમાં લેવા બાબતે મામલો બીચક્યો હતો અને ૨૦૦ જેટલા દેખાવકારોએ આ પગલાનો વિરોધ કર્યો હતો. દેખાવકારો ઈમિગ્રેશન વાહનની આસપાસ ટોળે વળ્યા હતા અને ઘણા તો વાહનને જતું અટકાવવા તેના વ્હીલ નીચે સૂઈ ગયા હતા.
ઈમિગ્રેશન સ્ટાફ અને સેંકડો સ્થાનિક લોકો વચ્ચે એક દિવસના તણાવ પછી સ્કોટલેન્ડ પોલીસે અટકમાં લેવાયેલી બે વ્યક્તિને મુક્ત કરાવવા હસ્તક્ષેપ કર્યો હતો. પોલીસ સ્કોટલેન્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે એસાઈલમ સીકર્સને દૂર કરવામાં પોલીસ સ્કોટલેન્ડની કોઈ ભૂમિકા ન હતી.
ગ્લાસગોમાં એક મહિનામાં વહેલી સવારની આ બીજી રેડ હતી. SNPની સરકાર સ્કોટલેન્ડની આગવી ઈમિગ્રેશન પોલિસી અને પોતાના અંકુશની તરફેણ કરે છે. આ વિસ્તાર ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના મતક્ષેત્રમાં આવે છે. બે વ્યક્તિની મુક્તિ પછી હોમ ઓફિસની આકરી નિંદા કરતાં સ્ટર્જને ટ્વીટ કર્યું હતું કે ‘એસાઈલમ સીકર્સ અને રેફ્યુજીસને આવકારતા અને તેમને ટેકો આપતા દેશનું નેતૃત્વ અને મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનું મને ગૌરવ છે.’