ગ્લાસગોઃ શનિવારે ફાર-રાઈટ પોલિટિકલ ગ્રૂપ યુનાઈટ ધ ક્લાન્સ દ્વારા આયોજિત એન્ટિ-ઈમિગ્રેશન દેખાવો પહેલા ગ્લાસગો ગ્રીનમાં ઓછામાં ઓછાં 1000 એન્ટિ-રેસિઝમ દેખાવકારો એકત્ર થવાથી અથડામણ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસ સ્કોટલેન્ડના જણાવ્યા મુજબ 15 દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ ડગ્લાસ એલેકઝાન્ડરે ગ્લાસગોમાં દેખાવોને અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
બે જૂથો વચ્ચે તંગદિલીથી પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તેમણે બંને જૂથના સેંકડોની સંખ્યામાં રહેલા સભ્યોને અલગ પાડ્યા હતા. પોલીસે હુમલા, આક્રમક શસ્ત્રો ધરાવવા, શાંતિભંગ, અવરોધ અને ધરપકડનો વિરોધ કરવાના વિવિધ ગુનાસર ધરપકડો કરી હતી. અન્ય સંકળાયેલા લોકોની ઓળખ કરાયા પછી વધુ ધરપકડો કરાશે. ઈમિગ્રેશન સંબંધિત તંગદિલીના સપ્તાહો પછી આ અથડામણ થઈ છે અને પોલીસે જણાવ્યું હતું કે આ વિષય પર ઓનલાઈન ગેરમાહિતી ફેલાવવા થકી તંગદિલીમાં વધારો થયો હતો.
યુનાઈટ ધ ક્લાન્સ ગ્રૂપે તેની ગ્લાસગો રેલીને શાંતિપૂર્ણ ગણાવી હતી તેમજ પર્થ, ડન્ડી, એડિનબરા અને ઈંગ્લેન્ડમાં અન્યત્રથી તેમની સાથે સામેલ થવા સંબંધિત જૂથોના સભ્યોને આમંત્રિત કર્યા હતા. અગાઉ. યુનાઈટ ધ ક્લાન્સે માીર્ચ મહિનામાં સ્કોટિશ પાર્લામેન્ટની બહાર વિરોધ પ્રદર્શન કરી દેશભક્તોને મળવાની હાકલ કરી હતી.


