ગ્લાસગોમાં ભારતીય શહીદોની સ્મૃતિમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મી મેમોરિયલનું નિર્માણ કરાશે

ગ્લાસગો લોકલ કાઉન્સિલ દ્વારા મેમોરિયલની સ્થાપનાને મંજૂરી અપાઇ

Wednesday 04th January 2023 05:39 EST
 
 

લંડન

બે વિશ્વયુદ્ધમાં બ્રિટન માટે આહૂતિ આપનારા 40 લાખ ભારતીય સૈનિકોની સ્મૃતિમાં સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં નવા બ્રિટિશ ઇન્ડિયન આર્મી મેમોરિયલની સ્થાપના કરાશે. આ માટે લોકલ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. આ આર્મી મેમોરિયલનું નિર્માણ ગ્લાસગોમાં કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી અને મ્યુઝિયમની નજીક કરાશે. આ મેમોરિયલની સ્થાપનાની પહેલ સ્કોટલેન્ડમાં સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીના ઇતિહાસની ઉજવણી કરી રહેલા કલરફૂલ હેરિટેજ મલ્ટીમીડિયા પ્રોજેક્ટ દ્વારા કરાઇ છે. બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સેવા અને બલિદાન આપનારા 40 લાખ કરતાં વધુ ભારતીય સૈનિકોની યાદમાં પહેલીવાર કોઇ સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સંસ્થાએ જણાવ્યું હતું કે, અમે પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી લડનારા તમામ હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, ગોરખા સૈનિકોની યાદમાં અમે આ સ્મારકનું નિર્માણ કરવા માગીએ છીએ. આ સ્મારક મુસ્લિમ પંજાબી રેજિમેન્ટ ફોર્સ કે સિક્સ અને સ્કોટલેન્ડ વચ્ચેના વિશેષ સંબંધની યાદો તાજી કરશે. તેમાં 70 કરતા વધુ વર્ષથી ફોર્સ કે સિક્સની કબરોની નિસ્વાર્થ ભાવે કાળજી લેવા માટે બ્રિટિશ એમ્પાયર મેડલથી સન્માનિત કરાયેલા ઇસોબેલ હાર્લિંગની સ્મૃતિ પણ તાજી કરાશે.

કલરફૂલ હેરિટેજ દ્વારા સ્કોટલેન્ડમાં આવેલા પ્રારંભિક સાઉથ એશિયન ઇમિગ્રન્ટોના ઇતિહાસની પણ જાળવણી કરવામાં આવી છે. આ મેમોરિયલમાં સાઉથ એશિયન ડિઝાઇનના આધારે પેવિલિયન અને અન્ય નિર્માણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter