ગ્લાસગોમાં લોકલ લોકડાઉન

Wednesday 09th September 2020 01:30 EDT
 

ગ્લાસગોઃ કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને બીજી સપ્ટેમ્બર, બુધવારથી ગ્રેટર ગ્લાસગો શહેર અને આસપાસના ક્લાઈડના વિસ્તારોના ૮૦૦,૦૦૦ લોકો માટે નિયંત્રણો જાહેર કર્યાં છે. નવા ૬૬ કોરોના કેસ જણાયા પછી લેવાયેલાં આ પગલાં ઓછામાં ઓછાં ૧૪ દિવસ અમલી રહેશે. ગ્લાસગોમાં રહેતા લોકો હવે અન્ય પરિવારના ઘરની મુલાકાત લઈ શકશે નહિ. જોકે, શાળાઓ અને નર્સરીઝ ચાલુ રહેશે.

કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા ગ્લાસગો, વેસ્ટ ડન્બાર્ટશાયર અને ઈસ્ટ રેન્ફ્રયુશાયરમાં રહેતા લોકો પર અન્ય પરિવારોની મુલાકાત લેવાનો પ્રતિબંધ લદાઈ ગયો છે. જોકે, ઈમર્જન્સીના સંજોગો અથવા અશક્ત,નિરાધાર વ્યક્તિની સંભાળ લેવાના અપવાદો રખાયા છે. આમાં એકલા રહેતા લોકો, સાથે ન રહેતા દંપતીઓ તેમજ ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો સાથે એકલા રહેતા લોકોનો સમાવેશ કરાયો છે.

ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને જણાવ્યું હતું કે બે જ દિવસમાં સ્કોટલેન્ડમાં કોરોના વાઈરસના નવા ૩૧૪ કેસ જોવા મળ્યા હતા જેમાંથી, ૧૩૫ કેસ ગ્રેટર ગ્લાસગો અને ક્લાઈડમાં છે. લોકોની ઘર અને પરિવારો વચ્ચે મુલાકાતોથી સંક્રમણ વધવાનો ડર રહે છે. આથી, લોકોને કોઈ પણ સ્થળે એકબીજાના પરિવારોની મુલાકાત લેવા પર નિયંત્રણો લગાવાયાં છે. આ પગલાં બે સપ્તાહ માટે અમલી રહેવાની ધારણા છે પરંતુ, સ્કોટિશ સરકાર એક સપ્તાહ પછી પરિસ્થિતિની સમીક્ષા કરશે. હોસ્પિટલ્સ અને કેર હોમ્સની ઈનડોર મુલાકાતો આવશ્યક હોય તો જ લઈ શકાશે. કેર હોમ્સની આઉટડોર મુલાકાતો વધુમાં વધુ બે પરિવારના ત્રણ સભ્યો સુધી મર્યાદિત રહેશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter