લંડનઃ અમેરિકાએ ટેલેન્ટ વિઝા ગણાતા એચવન-બી વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. તેનાથી વિપરિત વડાપ્રધાન સર કેર સ્ટાર્મર ગ્લોબલ ટેલેન્ટને આવકારવા કેટલીક વિઝા ફી નાબૂદ કરવાના વિકલ્પો ચકાસી રહ્યા છે.
બ્રિટનના આર્થિક વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાન દ્વારા રચિત ગ્લોબલ ટેલેન્ટ ટાસ્ક ફોર્સ કેવી રીતે વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનકો, શિક્ષણશાસ્ત્રીઓ અને ડિજિટલ નિષ્ણાતોને યુકેમાં આકર્ષી શકાય તેના પર કામ કરી રહ્યું છે.
10 ડાઉનિંગ સ્ટ્રીટ અને ટ્રેઝરી ઓફિસમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવા વિઝા ફી નાબૂદ કરવાના વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચવન-બી વિઝાની ફી વધારવાના અમેરિકાના પ્રમુખના નિર્ણયે બ્રિટનની વિઝા સિસ્ટમમાં બદલાવની ચર્ચાને વેગ આપ્યો છે. વડાપ્રધાન સ્ટાર્મરના બિઝનેસ એડવાઇઝર વરૂણ ચંદ્રા અને સાયન્સ મિનિસ્ટર લોર્ડ પેટ્રિક વોલેન્સ આ મામલે ગહન ચર્ચા વિચારણા કરી રહ્યાં છે.
પરમેનેન્ટ રેસિડેન્સી માટે પાંચ વર્ષ બાદ અરજી કરવાનો અધિકાર નાબૂદ કરીશુઃ રિફોર્મ યુકે
હજુ સત્તામાં આવ્યા નથી તે પહેલાં જ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે માઇગ્રન્ટ્સ વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, અમારી પાર્ટી સત્તામાં આવશે તો પાંચ વર્ષ બાદ યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટે અરજી કરવાના માઇગ્રન્ટ્સના અધિકારને નાબૂદ કરીશું અને જે માઇગ્રન્ટ્સ યુકેમાં સેટલ્ડ સ્ટેટસ પ્રાપ્ત કરી ચૂક્યાં છે તેમને પણ નવા આકરા વિઝા માટે અરજી કરવા ફરજ પાડીશું.
અસાયલમ બેકલોગ ઘટાડવા વોરટાઇમ એક્ટનો ઉપયોગ કરવા લિબ ડેમનું સૂચન
લિબરલ ડેમોક્રેટે સૂચન કર્યું છે કે સરકારે હોટેલોનો ઉપયોગ અને અસાયલમ બેકલોગ ઘટાડવા યુદ્ધ સમયની ઇમર્જન્સી સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. લિબરલ ડેમોક્રેટ પાર્ટીના હોમ બાબતોના પ્રવક્તા લિસા સ્માર્ટે જણાવ્યું હતું કે, રાજ્યાશ્રયના દાવાઓના નિકાલ માટે અમારી પાર્ટી હંગામી નાઇટિંગલ પ્રોસેસિંગ સેન્ટરો ઊભા કરવા સિવિલ કન્ટીજન્સી એક્ટનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે. આ કાયદો સરકારને હંગામી ધોરણે અમર્યાદ સત્તાનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.


