લંડનઃ ભારે વરસાદ અને પછી તીવ્ર ગરમીના હવામાનની ખરાબ અસર ઘઉંના પાક પર પડી છે. ખરાબ હવામાનના કારણે ૪૦ વર્ષમાં સૌથી ખરાબ પાકના કારણે બ્રેડ અને લોટના ભાવમાં વધારો થવાની શક્યતા છે. કેટલાક મિલરોએ તો લોટ માટે ૧૦ ટકા વધુ ચાર્જ લેવાનું શરુ કરી દીધું છે.
વર્ષભરના વિષમ હવામાનના કારણે ઘઉનો પાક ૪૦ વર્ષમાં ન થયો હોય તેવો ઓછો જોવા મળશે. એક અનુમાન મુજબ ઘઉંના પાકમાં ૩૦થી ૪૦ ટકાની ઘટ પડશે. આના પરિણામે, બ્રેડ અને અન્ય બેક્ડ આઈટમ્સના ભાવ વધી જશે. નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા પણ ભાવ વધારશે. નેશનલ ફાર્મર્સ યુનિયનના ક્રોપ બોર્ડના અધ્યક્ષ અને હેમ્પશાયરના ખેડૂત મેટ કલીના જણાવ્યા મુજબ સારાં ખેતરોમાં ઓછામાં ઓછો ૩૦ ટકા ઓછો પાક ઉતરશે.
યુકેના હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે અતિશય વરસાદી વાતાવરણ અને તેના પછી દુકાળ લાવતી તીવ્ર ગરમી નબળાં પાક માટે જવાબદાર છે. ગયા ઓટમમાં ઘઉંના પાકની વાવણી થઈ ત્યારે ભારે વરસાદ હતો જે ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. આ પછી, થોડા સપ્તાહોની તીવ્ર ગરમીથી પાક બળી ગયો હતો. ઓગસ્ટમાં ફરી વરસાદ થતા લણણી અટકી અને ભરેલાં હોવાં જોઈએ તે ખળાં ખાલી રહ્યા છે.
યુકેના ઉત્પાદિત ઘઉંના ૮૫ ટકાનો ઉપયોગ લોટ માટે થાય છે. ઘટ પૂરી કરવા માટે ઘઉંની આયાત કરવી પડશે. જો નો-ડીલ બ્રેક્ઝિટ થશે તો આયાતી ઘઉં પ્રતિ ટન ૭૯ પાઉન્ડના ભાવે પડી શકે. અત્યારે પણ ઘઉંના ભાવમાં પ્રતિ ટન ૪૦ પાઉન્ડ વધી ગયા છે. ઘઉં અને તેના લોટના ભાવમાં વધારો ગ્રાહકોની કમર તોડી નાખશે.