લંડનઃ બ્રિટનમાં ઘટી રહેલા જન્મદરા કારણે દેશને વર્ષ 2100 સુધી ઇમિગ્રન્ટ્સ પર આધારિત રહેવું પડશે. લાન્સેટ દ્વારા કરાયેલા ગ્લોબલ સ્ટડી અનુસાર 1950 પછી પશ્ચિમના તમામ મોટા દેશોમાં જન્મદરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ ટ્રેન્ડ વર્ષ 2100 સુધી જારી રહેવાની સંભાવના છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક વૃદ્ધિ અને સરકારી સેવાઓ જાળવી રાખવા માટે બ્રિટન સહિતના ઊંચી આવક ધરાવતા સમાજો પાસે ઊંચો જન્મદર ધરાવતા આફ્રિકાના ગરીબ દેશોમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ પર આધાર રાખવા સિવાય છૂટકો નથી.
લાન્સેટે જણાવ્યું હતું કે, ફ્રી ચાઇલ્ડ કેર જેવી પ્રો-નેટલ પોલિસીઓ જન્મદરને થોડો વેગ આપી શકે છે પરંતુ વસતી જાળવી રાખવા માટે તે પુરતું નથી. ઇમિગ્રેશન ખુલ્લું મૂકવું જરૂરી બની રહેશે. જો બ્રિટને ઇમિગ્રેશન વિના તેની વસતી જાળવી રાખવી હશે તો જન્મદર પ્રતિ મહિલા 2.1 જાળવી રાખવો પડશે. 1950માં યુકેમાં જન્મદર 2.19 હતો જે 1980માં ઘટીને 1.80 અને 2021માં 1.49 પર આવી ગયો હતો. બ્રિટનમાં જન્મદર 2050માં ઘટીને 1.49 અને 2100માં 1.38 પર પહોંચવાનો અંદાજ છે.