લંડનઃ ખામીપૂર્ણ IT સિસ્ટમના કારણે પોસ્ટ ઓફિસ દ્વારા ખોટી રીતે કાનૂની કાર્યવાહી કરાયેલા સબપોસ્ટમાસ્ટર્સમાંથી ઘણાં તો યોગ્ય વળતર મેળવી શકે તે પહેલા જ મોતને ભેટશે તેવી ચેતવણી ૧૫૦થી વધુ સબપોસ્ટમાસ્ટર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા ધારાશાસ્ત્રી ડેવિડ એન્રાઈટે આપી છે. તેમણે પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડને વિક્ટીમ્સને વેળાસર ચૂકવણી કરવાનો અનુરોધ કર્યો છે.
પોસ્ટ ઓફિસ દ્વારા ૨૦૦૪-૨૦૧૪ના ગાળામાં હિસાબી ગરબડ જણાતા ચોરીના આક્ષેપ સાથે ઓછામાં ઓછાં ૭૩૬ સબપોસ્ટમાસ્ટર્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, વાસ્તવમાં જાપાની કોમ્પ્યુટર ફર્મ ફ્યુજિત્સુ દ્વારા લગાવાયેલા ખામીપૂર્ણ હોરાઈઝન સોફ્ટવેરના કારણે હિસાબી ગરબડ સર્જાઈ હોવાનું પાછળથી જણાયું હતું. જે લોકો સામે ખોટી રીતે કાર્યવાહી કરાઈ હતી તેઓએ તેમને દોષી ઠરાવવાનું રદ કરવાની અરજીઓ કરી હતી. મિનિસ્ટર્સ દ્વારા પીડિત સબપોસ્ટમાસ્ટર્સને વળતરનું વચન અપાયું હતું અને સર વીન વિલિયમ્સ દ્વારા ઈન્ક્વાયરી પણ શરૂ કરાઈ છે.
કેમ્પેઈનર્સે દાવો કર્યો છે કે સબપોસ્ટમાસ્ટર્સ સંદર્ભે ન્યાયની કસુવાવડના કૌભાંડમાં સંકળાયેલા વકીલોની તપાસ કરવા ન થાય તે માટે મિનિસ્ટર્સ કાર્યવાહી ધીમી પડશે તેવા બહાના હેઠળ ઈન્ક્વાયરીને અવરોધશે. એક કાનૂનવિદે વિલિયમ્સ ઈન્ક્વાયરી સમક્ષ જણાવ્યું હતું કે હોરાઈઝન કોમ્પ્યુટર ખામીના કારણે સેંકડો સબપોસ્ટમાસ્ટર્સને ખોટી કાનૂની કાર્યવાહી સહન કરવું પડી તેમાં પોસ્ટ ઓફિસનું પ્રતિનિધિત્વ કરતા વકીલોની ભૂમિકા પણ તપાસવી જરૂરી છે. એમ કહેવાય છે કે તેના વકીલો જુબાની આપી શકે તે માટે પોસ્ટ ઓફિસ પ્રોફેશનલ પ્રિવિલેજ જતાં કરવાનું વિચારશે. જોકે, તેની કોઈ ખાતરી અપાઈ નથી.
સપ્ટેમ્બર ૨૦૧૯માં પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ બનેલા નિક રીડે ઝડપી વળતરને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું છે પરંતુ, પોસ્ટ ઓફિસનું કહેવું છે કે પૂરતું વળતર ચૂકવવા માટે તેની પાસે નાણાકીય સ્રોતો નથી અને તેના માટે સરકાર પર આધાર રાખી રહી છે. એપ્રિલ મહિનામાં કોર્ટ ઓફ અપીલ દ્વારા ૩૯ સબપોસ્ટમાસ્ટર્સ સામે કાનૂની કાર્યવાહી રદ કરાઈ હતી અને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. પોસ્ટ ઓફિસના એક્ઝિક્યુટિવોએ સેંકડો જિંદગી બરબાદ કરી હોવાનો આક્ષેપ કરાયો છે અને ઘણા લોકોએ જેલની સજા ભોગવવાની સાથે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવી પડી હતી.


