ઘણા હિન્દુ કર્મચારીઓ ઓફિસમાં ખુલીને ધર્મને અભિવ્યક્ત કરી શક્તાં નથી – સરવે

38 ટકા હિન્દુ કર્મચારીને યોગ્ય કારણ વિના તહેવારની રજા અપાતી નથી, 93 ટકા ધાર્મિક માન્યતા પ્રમાણેનો વેશ પરિધાન કરી શક્તાં નથી

Wednesday 30th November 2022 05:48 EST
 
 

લંડન

બ્રિટનમાં કામ કરતા લગભગ 38 ટકા હિન્દુ કર્મચારીઓને તેમના ધાર્મિક તહેવારો ઉજવવા માટે યોગ્ય કારણ વિના જ રજા આપવામાં આવતી નથી. રિલિજિયન એટ વર્ક- એક્સપિરિયન્સિઝ ઓફ હિન્દુ એમ્પ્લોયિઝ નામના રિપોર્ટમાં આ તારણ અપાયું છે. બ્રિટનને તેના સૌપ્રથમ હિન્દુ વડાપ્રધાન ભલે મળ્યા હોય પરંતુ બ્રિટનમાં વૈવિધ્યતાને પરવાનગી અપાતી નથી. આ રિપોર્ટમાં કામના સ્થળે ધાર્મિક અભિવ્યક્તિની ચકાસણી કરતા રિપોર્ટોની પહેલી કડી છે. આગામી રિપોર્ટમાં ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, શિખ અને બૌદ્ધ કર્મચારીઓ અંગેની વિગતો જાહેર કરાશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સંખ્યાબળ ઓછું હોવાના કારણે હિન્દુ કર્મચારીઓ કામના સ્થળે એકલતા અને હાંસિયામાં ધકેલાઇ ગયાનું અનુભવે છે. સરવેમાં ભાગ લેનારા ઘણા હિન્દુ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારા મોટાભાગના સહકર્મચારીઓ ખ્રિસ્તી અને શ્વેત છે. તેના કારણે અમે અમારી ધાર્મિક ઓળખ મુક્તપણે અભિવ્યક્ત કરી શક્તાં નથી. ઓફિસની નિયંત્રણો લાદતી નીતિઓ અને હિન્દુ ધર્મ અંગેની ઓછી જાણકારી સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. કેટલાક કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારે પ્રોફેશનલ રીતે વસ્ત્રો પહેરવા પડે છે. અમે અમારી સાંસ્કૃતિક વેશભૂષા કે ધાર્મિક પરિધાન ધારણ કરી શક્તાં નથી.

પર્ન કંડોલાના સહસ્થાપક અને બિઝનેસ સાયકોલોજિસ્ટ બીના કંડોલા, ઓબીઇ  કહે છે કે ઘણા હિન્દુઓ તેમના ધર્મને ખુલીને અભિવ્યક્ત કરી શક્તાં નથી. તેનો અર્થ એ થયો કે સંસ્થાઓએ વૈવિધ્યતાપૂર્ણ સમાજ તૈયાર કરવા માટે વધુ પ્રગતિ કરવી પડશે.

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે 93 ટકા બ્રિટિશ હિન્દુ કર્મચારીઓ ઓફિસમાં તેમની સંસ્કૃતિ અને ધર્મ પ્રમાણે વસ્ત્રો પહેરી શક્તાં નથી. 32 ટકા હિન્દુ કર્મચારીઓ ઓફિસમાં તેમના તહેવારોની ચર્ચા કરવી યોગ્ય માનતા નથી. ફક્ત પાંચ ટકા હિન્દુ કર્મચારીઓ માને છે કે તેમની ઓફિસ તેમનાથી ખુશ છે. તેઓ તેમના ધાર્મિક તહેવારો માટે રજા મેળવી શકે છ. અમેરિકામાં 44 ટકા હિન્દુ કર્મચારીઓ તેમના ધાર્મિક તહેવારની રજા મેળવી શકે છે. ઘણા હિન્દુ કર્મચારીઓ વિપરિત પરિણામના ભયે ઓફિસમાં ધર્મની અભિવ્યક્તિ કરતા નથી. ઘણા હિન્દુ કર્મચારીઓ ઓફિસમાં પોતાની જાતને અભિવ્યક્ત કરી શક્તાં નથી તેથી તેમના કામ પર પણ અસર પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter