લંડનઃ 10 વર્ષીય સારા શરિફની હત્યા પરના સવાલનો જવાબ આપતાં વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ મામલામાં સર્જાયેલા સવાલોનો જવાબ આપવાની જરૂર છે. સરકાર ઘેર રહીને અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા માટે કાયદાને વધુ આકરો બનાવવાની તૈયારી કરી રહી છે.
સરકારે જણાવ્યું છે કે અમે નવો નિયમ તૈયાર કરીશું જે અંતર્ગત પ્રોટેક્શન પ્લાનમાં સામેલ ઘેર રહીને અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ સ્થાનિક સત્તાવાળાઓની મંજૂરી લેવી ફરજિયાત કરાશે. ચિલ્ડ્રન કમિશ્નર ઓફ ઇંગ્લેન્ડ ડેમ રેચલ ડિસુઝાએ જણાવ્યું હતું કે, ચિંતાઓ વ્યકત કરાઇ હોવા છતાં વાલીઓને બાળકને શાળામાંથી ઉઠાવી લેવાની પરવાનગી આપતો કાયદો પાગલપન છે.
સરકાર દ્વારા તૈયાર થઇ રહેલા નવા પ્રસ્તાવો અનુસાર આ પ્રકારના બાળકોને એનએચએસ નંબર જેવો ચાઇલ્ડ આઇડેન્ટીફાયર નંબર અપાશે. દરેક કાઉન્સિલે મલ્ટી એજન્સી ચાઇલ્ડ સેફગાર્ડિંગ ટીમો તૈયાર કરવી પડશે.

