લંડનઃ ઊર્જા નિયામક ઓફજેમ દ્વારા પ્રાઇસ કેપમાં વધારો કરવામાં આવ્યા બાદ લાખો પરિવાર માટે એનર્જી ભાવ ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચશે. ઓફજેમે જણાવ્યું છે કે ઈરાન યુદ્ધને પગલે હોલસેલ ગેસના ભાવમાં આવેલા ઉછાળાના પગલે 1 ઓક્ટોબરથી પ્રાઇસ કેપમાં 4 ટકાનો વધારો થશે. સામાન્ય પ્રમાણમાં ગેસ અને વીજળીનો વપરાશ કરતા પરિવારને વાર્ષિક 60 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. જોકે, એક તૃતીયાંશથી વધુ ગ્રાહકો ફિક્સ્ડ ટેરિફ પર હોવાથી તેમના દરોમાં કોઈ ફેરફાર થશે નહીં. સરકારે દાવો કર્યો છે કે વીજળીના બિલ પર વેટમાં કાપ મૂકવાથી પરિવારોને 45 પાઉન્ડની બચત થશે.
વડાપ્રધાન એન્ડી બર્નહામે જણાવ્યું છે કે, વેટમાં ઘટાડો કરવાનું પગલું ઓક્ટોબરથી રાહત આપશે. વેટ કાપ ઉપરાંત, સરકારે જાહેરાત કરી છે કે 'વોર્મ હોમ્સ ડિસ્કાઉન્ટ' યોજના હેઠળ આ શિયાળામાં 60 લાખ પરિવારોને બિલમાં 150 પાઉન્ડની રાહત મળશે.
અંદાજે 1.1 કરોડ પરિવારો હાલમાં ફિક્સ્ડ ટેરિફ પર છે, પરંતુ ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના 2.2 કરોડ પરિવારો પ્રાઇસ કેપ હેઠળ આવતા ટેરિફ પર નિર્ભર છે. જો ઓક્ટોબરનો આ દર આખું વર્ષ યથાવત રહે, તો ડાયરેક્ટ ડેબિટથી ચૂકવણી કરતા સામાન્ય પરિવારનું વાર્ષિક બિલ 1,723 પાઉન્ડ થશે, જે વાર્ષિક 60 પાઉન્ડનો વધારો દર્શાવે છે.

