ઘરેલુ ગર્ભપાત માટે ટેલિમેડિસીનના ઉપયોગને કાયમી સ્વરૂપ અપાયું

Tuesday 30th August 2022 14:40 EDT
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 ઓગસ્ટથી એટ-હોમ અર્લી મેડિકલ એબોર્શન્સને કાયમી સ્વરૂપ આપી દેવાયું છે. નવા કાયદાના પરિણામે 9 સપ્તાહ અને 6 દિવસ સુધીની સગર્ભાઓ માટે ઘરમાં ઉપયોગમાં લઈ શકાય તેવી મેડિકલ એબોર્શન દવાઓની સુવિધા પ્રાપ્ત થશે.

પ્રેગનન્સી ટર્મિનેશન સર્વિસીસ દ્વારા આ પગલું કોવિડ મહામારીમાં દાખલ કરવાના લાંબા અભિયાન પછી સાંસદોએ માર્ચ મહિનાના અંતે ઘરમાં જ વેળાસર તબીબી ગર્ભપાતને ઈંગ્લેન્ડમાં કાયમી સ્વરૂપ આપવા તરફી મતદાન કર્યું હતું જેમાં 215 સાંસદો તરફેણમાં અને 188 સાંસદો વિરુદ્ધમાં રહ્યા હતા. આ પગલાંથી મહિલાઓને ક્યાં અને ક્યારે એબોર્શન સર્વિસીસ મેળવવી તેની વધુ પસંદગી કરવા મળશે.

યુકેમાં માર્ચ 2020માં કોરોના મહામારી ત્રાટક્યા પછી નવી ‘ટેલિમેડિસીન’ સિસ્ટમ હેઠળ ફોન દ્વારા કન્સલ્ટેશન પછી ઘરમાં જ લઈ શકાય તેવી ગર્ભપાતની ગોળીઓ પોસ્ટ મારફત મોકલી આપવા મિનિસ્ટર્સે પરવાનગી આપી હતી. મેડિકલ એબોર્શનમાં બે ટેબ્લેટ લેવાની રહેતી હતી. મહામારી અગાઉ, પહેલી ટેબ્લેટ mifepristone મેળવવા માટે એબોર્શન ક્લિનિકની મુલાકાત લેવી પડતી હતી.

ગર્ભપાત મુદ્દે યુકેમાં સૌથી મોટા અભ્યાસમાં જણાયું હતું કે એટ-હોમ અર્લી મેડિકલ એબોર્શન્સથી કોઈ મોટું જોખમ રહેતું નથી અને મહિલાઓને તેમની સગર્ભાવસ્થામાં વહેલાં આ પ્રોસીજર માટે છૂટ મળે છે. એબોર્શન માટે ટેલિમેડિસીનના ઉપયોગને ફ્રાન્સ, યુએસ અને ન્યૂ ઝીલેન્ડમાં છૂટ અપાયેલી છે. ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 1967 એબોર્શન એક્ટ હેઠળ બે ડોક્ટરો પાસેથી કાનૂની પરવાનગી તેમજ એબોર્શન વિના મહિલાની શારીરિક અને માનસિક આરોગ્યને નુકસાન થઈ શકે તેવા અભિપ્રાય મેળવ્યાં વિના પ્રેગનન્સીનો અંત લાવવાનું મહિલા માટે ક્રિમિનલ કૃત્ય ગણાય છે જેના ભંગ બદલ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter