લંડનઃ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને યુકેની લેબર પાર્ટી વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો પરંતુ તાજેતરમાં લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરે ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવાનું વચન આપ્યું છે. પરંતુ હવે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો નહીં પરંતુ ઘરેલુ રાજનીતિ તેમને આમ કરવાની ફરજ પાડી રહી છે.
એક અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેર સ્ટાર્મરનો ભારત પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ બ્રિટનમાં વસતા 19 લાખ બ્રિટિશ ભારતીય મતદારો છે. બ્રિટનમાં ભારતીયોની વસતી ફક્ત 2.5 ટકા છે પરંતુ લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર અને લેસ્ટર જેવા મતવિસ્તારોમાં તેમના મત ઘણા નિર્ણાયક બની શકે છે.
આમ તો બ્રિટિશ ભારતીય સમુદાય ઇમિગ્રેશન તરફી નીતિઓના કારણે લેબર પાર્ટીનો કટ્ટર સમર્થક રહ્યો હતો પરંતુ ત્યારબાદ જમ્મુ-કાશ્મીર સહિતના કેટલાંક મામલામાં લેબર પાર્ટીના ભારત વિરોધી વલણના કારણે બ્રિટિશ ભારતીયો લેબર પાર્ટીથી વિમુખ થવા લાગ્યા હતા. પરંતુ 21મી સદીમાં ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી અને ત્રીજી પેઢી સમૃદ્ધ થતાં કન્ઝર્વેટિવ પાર્ટીની નીતિઓને સમર્થન આપવા માંડી હતી. આ પેઢી ઊંચી આવક ધરાવતી મૂડીવાદી માનસિકતા ધરાવતી પેઢી બની ચૂકી છે અને તેમને ટોરીઝના સિદ્ધાંતો વધુ યોગ્ય લાગે છે. તેના કારણે જ તાજેતરના વર્ષોમાં બ્રિટિશ ભારતીયોનું લેબર પાર્ટીને સમર્થન ઘટી ગયું છે.
તેથી વર્ષ 2024માં આવી રહેલી સંસદની ચૂંટણીમાં લાભ મેળવવા હવે લેબર નેતા સ્ટાર્મરે બ્રિટિશ ભારતીય મતદારોને રિઝવવાનું શરૂ કરી દીધું છે.


