લંડનઃ ઘરેલુ હિંસાના કારણે આત્મહત્યા કરતી મહિલાઓની સંખ્યા સાચી જાહેર કરવામાં જ આવતી નથી અને પોલીસ પણ આ પ્રકારના કેસોની અવગણના કરતી હોવાના આરોપ મૂકાયા છે. નિષ્ણાતો આ બાબતને રાષ્ટ્રીય કૌભાંડ ગણાવી રહ્યાં છે.
યુકેમાં ઘરેલુ હિંસાના કારણે મહિલાઓની આત્મહત્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ઘરેલુ હિંસાનો સામનો કરી રહેલી મહિલાઓની પાર્ટનર દ્વારા કરાતી હત્યા કરતાં પણ આત્મહત્યાની સંભાવના વધી રહી છે. એક રિસર્ચ અનુસાર આ પ્રકારની ઘટનાઓમાં ફક્ત 6.5 ટકા કેસ જ સામે આવી રહ્યાં છે.
નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલના જણાવ્યા અનુસાર 2024માં ઘરેલુ હિંસાના કારણે 98 મહિલાઓએ શંકાસ્પદ આત્મહત્યા કરી હતી. એક અંદાજ પ્રમાણે દેશમાં દર વર્ષે ઘરેલુ હિંસાના કારણે 1500 જેટલી મહિલા આત્મહત્યા કરી રહી છે.
કેન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ટીમ વૂડહાઉસના નેતૃત્વમાં આ રિસર્ચ કરાયું હતું. તેઓ કહે છે કે ઘરેલુ હિંસાના કારણે મહિલાઓની આત્મહત્યા અટકાવવા એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવી જોઇએ. હું મારા રિસર્ચ દ્વારા લોકોની આંખ ખોલવા ઇચ્છું છું કારણ કે આપણા અંદાજ કરતાં પણ આ દુષણ વ્યાપક છે અને તેને નેશનલ સ્કેન્ડલ કહી શકાય.
તેમણે જણાવ્યું હતું કે એનપીસીસીનો પ્રયાસ સારો છે પરંતુ તેઓ તેમના માપદંડ ઘણા આકરા હોવાના કારણે ઘણી આત્મહત્યાને ગણતરીમાં જ લેવાતી નથી અને તેના કારણે સાચા આંકડા સામે આવી રહ્યાં નથી.
વકીલોનું માનવું છે કે કોરોનર્સ દ્વારા મૃત્યુને આત્મહત્યા ગણવા અંગે ઝડપી નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. તેમના દ્વારા કેસ પર યોગ્ય વિચારણા થતી નથી.


