લંડનઃ ઘરેલુ હિંસાનો ભોગ બની રહેલ કયા પીડિતને તાત્કાલિક સહાયની જરૂર છે તે નક્કી કરતું મુખ્ય સ્ક્રિનિંગ ટૂલ જ કામ કરતું નથી તેવી કબૂલાત સેફગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સે કરી છે. 2009થી ઘરેલુ હિંસાના પીડિત પરના જોખમની સમીક્ષા કરવા માટે પોલીસ, સોશિયલ સર્વિસ અને હેલ્થકેર વર્કર્સ ડેશ ક્વેશ્ચનર્સ પર આધાર રાખે છે. પરંતુ આ સેક્ટરમાં કામ કરતા લોકોનો આરોપ છે કે ચેકલિસ્ટ કયા પીડિત પર સૌથી વધુ જોખમ રહેલું છે તે યોગ્ય રીતે ઓળખ કરી શક્તું નથી.
ફિલિપ્સે જણાવ્યું હતું કે, હું પીડિતોને સહાય માટે સમગ્ર સિસ્ટમની સમીક્ષા કરી રહી છું પરંતુ આ કામ રાતોરાત થઇ જવાનું નથી. ડેશ ક્વેશ્ચનર્સમાં પીડિતને 27 સવાલ કરાય છે. પીડિત દ્વારા અપાતા જવાબના આધારે તેના પર કેટલું જોખમ છે તે નક્કી કરાય છે.
આ વ્યવસ્થા અમલમાં હોવા છતાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા એક વર્ષમાં ઘરેલુ હિંસામાં મહિલાઓના મોતની 108 ઘટના બની હતી. હવે આ મહિલાઓના પરિવારો કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહ્યાં છે.
સમાજમાં આબરૂના નામે મહિલા પર થતા અત્યાચાર અટકાવવા કાયદામાં સુધારા કરાશે
સમાજમાં ઇજ્જત અને આબરૂના નામે મહિલાઓ પર થતા અત્યાચાર અટકાવવા સરકાર આ અપરાધની ચોક્કસ કાયદાકીય વ્યાખ્યા કરવા જઇ રહી છે. મહિલાઓને ઘરેલુ હિંસાથી બચાવવા સરકાર કાયદામાં બદલાવ કરશે. આ માટે પોલીસ, સોશિયલ વર્કર્સ, હેલ્થકેર વર્કર્સને પણ વિશેષ તાલીમ અપાશે અને પીડિતોને સામે આવવા પ્રોત્સાહન માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.


