લંડન
સરકારના પર્યાવરણ સલાહકારોએ જણાવ્યું છે કે પરિવારોને રાતના સમયે ઘરના પરદા પાડી દેવા માટે પ્રોત્સાહિત કરીને સરકાર આ શિયાળામાં 34 મિલિયન પાઉન્ડની બચત કરી શકે છે. ક્લાઇમેટ ચેન્જ કમિટીએ સરકારને વીજળી બચાવવા વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની સલાહ આપી છે. કમિટીએ જણાવ્યું છે કે કેટલાંક એવા પગલાં છે જેમાં કોઇપણ ખર્ચ વિના વીજળીની બચત કરી શકાય છે જેમ કે રાતના સમયે પરદા પાડી દેવાથી હીટ લોસ ઘટે છે જેનાથી કન્ડેન્સિંગ બોઇલરના ફ્લો ટેમ્પરેચરમાં ઘટાડો થતાં વીજળીની બચત કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લિઝ ટ્રસ સરકારે આ પ્રકારના જનજાગૃતિ અભિયાનનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સરકારે અત્યાર સુધીમાં તેની વેબસાઇટ પર વીજળીની બચત માટે 3 સલાહ જારી કરી છે.
ચાન્સેલર જેરેમી હન્ટને લખેલા પત્રમાં કમિટીએ જણાવ્યું છે કે સરકાર યોગ્ય રીતે જનજાગૃતિ અભિયાન ચલાવે તો આ શિયાળામાં પરિવારોના વીજળીના ખર્ચમાં સેંકડો પાઉન્ડનો ઘટાડો થઇ શકે છે. જેના પગલે સરકાર દ્વારા અપાઇ રહેલી સહાયમાં ઘટાડો થતાં સરકારી તિજોરી પર પણ લાખો પાઉન્ડનો બોજો ઘટી શકે છે.
કમિટીએ જણાવ્યું હતું કે, રાતના સમયે પરદા પાડી દેવાથી વીજળીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. ફક્ત 50 ટકા પરિવાર જ રાતના સમયે ઘરના તમામ પરદા પાડી દે છે. તેનો અર્થ એ થયો કે 1 કરોડ 40 લાખ પરિવાર રાતના સમયે પરદા પાડી દઇને મોટા પ્રમાણમાં વીજળીની બચત કરી શકે છે. જો આ પરિવારો દ્વારા વીજળીની બચત કરવામાં આવે તો સરકાર પર 7 મિલિયન પાઉન્ડનો બોજો ઘટી શકે છે. 70 લાખ પરિવાર જો આ સલાહને અનુસરે તો વીજળી પાછળ થતા ખર્ચમાં 34 મિલિયન પાઉન્ડનો ઘટાડો કરી શકાય તેમ છે.


