લંડનઃ કોરોના મહામારી દરમિયાન મકાનમાલિકો લીઝની શરતોના કરાતા ભંગને નજરઅંદાજ કરતા હતા પરંતુ, હવે તે પરિસ્થિતિ બદલાઈ શકે છે. પોતાના ફ્લેટ કે ઘરમાંથી કામ કરી રહેલા કે બિઝનેસ ચલાવતા કેટલાક લોકો સામે પ્રોપર્ટીની લીઝની શરતોનો ભંગ કરવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે તેવી ચેતવણી કાયદા નિષ્ણાતો આપી રહ્યા છે.
કોરોના મહામારીના ગાળામાં ઘરમાં બેસી કામકાજ કરતા લોકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો અને કોવિડના નિયંત્રણો હટાવી લેવાયા પછી પણ તેમણે ઘર અથવા ફ્લેટ્સમાં કામકાજ કે બિઝનેસ ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. Airbnb રેન્ટ્લ્સ માટે પોતાની પ્રોપર્ટીનો ઉપયોગ કરાવનારા કેટલાક લોકોને તેમના ઘરનો શેના માટે ઉપયોગ કરી શકાય અથવા ન કરી શકાય તેવી લીઝની શરતોનો ભંગ કરાતો હોય તો કાનૂની કાર્યવાહીના જોખમની ચેતવણી આપી દેવાઈ છે. પોતાના ઘરમાં રહીને પોતાના એમ્પ્લોયર્સ માટે કામ અથવા ઘરમાંથી બિઝનેસ ચલાવતા નેઈલ બાર ચલાવતા, સંગીતશિક્ષકો તેમજ બાંધકામના સપ્લાયનો સંગ્રહ કરનારા બિલ્ડર્સ સહિતના લોકોને કાનૂની પડકારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોટા ભાગે લીઝમાં નિયંત્રણકારી જોગવાઈઓ હોય છે જેમાં એમ પણ જણાવાયું હોય છે કે પ્રોપર્ટીનો ઉપયોગ માત્ર સિંગલ ફેમિલી માટે જ કરી શકાય અથવા ત્યાંથી બિઝનેસ ચલાવી શકાય નહિ. ઘણા ફ્લેટ્સ માટે લીઝમાં ઝીણા અક્ષરોમાં રખાયેલી શરતોમાં તેને છ મહિનાથી ઓછા સમય માટે ભાડે આપી ન શકાય તેવી શરત પણ હોય છે. આમ છતાં, તેને ભાડે અપાય તો કાનૂની કાર્યવાહીનું જોખમ ઉભું થાય છે. મોટા ભાગના લોકોને આની જાણકારી હોતી નથી અથવા પડશે તેવા દેવાશે તેમ વિચારી આગળ વધતા હોય છે.
આવા તમામ કેસીસમાં લીઝની શરતો અને પેપરવર્કનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી લેવો આવશ્યક છે.

