ચંડીગઢમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી

આગામી વર્ષોમાં યુકે અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશેઃ બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશ્નર કેરોલિન રોવેટ્ટ

Tuesday 12th November 2024 10:00 EST
 
 

ચંડીગઢઃ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સના 14 નવેમ્બરે આવી રહેલા જન્મદિવસ નિમિત્તે ચંડીગઢમાં આયોજિત સમારોહમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશ્નર કેરોલિન રોવેટ્ટે આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષોમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે કિંગ ચાર્લ્સને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં વિવિધ કારણો માટે તેના વ્યાપક યોગદાનને બિરદાવ્યું હતું.

રોવેટ્ટે જણાવ્યું હતું કે, ચંડીગઢ અને આસપાસના મિત્રો સાથે મળીને હીઝ મેજેસ્ટીના જન્મદિવસની ઉજવણી કરવાની તક મળી છે. કિંગ ચાર્લ્સનો ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. પર્યાવરણ અને સામાજિક વિકાસમાં તેમના પ્રયાસો પ્રશંસનીય છે. અમે આશા રાખીએ છીએ કે આગામી વર્ષોમાં ભારત અને યુકે વચ્ચેનો જીવંત સેતૂ વધુ મજબૂત બનશે.

કિંગ ચાર્લ્સનો ચંડીગઢ અને પંજાબ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. 2006માં તેમણે ચંડીગઢ, પતિયાલા, આનંદપુર સાહિબ અને ફતેહગઢ સાહિબની મુલાકાત લીધી હતી. 2010માં તેમણએ પતિયાલા અને ચંડીગઢની મુલાકાત લીધી હતી.

કિંગ ચાર્લ્સ 76મા જન્મદિવસે બે ફૂડ હબનો પ્રારંભ કરશે

કિંગ ચાર્લ્સ તૃતીય તેમના 76મા જન્મદિવસ પ્રસંગે વધારાના ખોરાકને બચાવવા અને તેના વિતરણ માટે બે ફૂડ હબનો પ્રારંભ કરશે. વધારાના ખોરાક દ્વારા જરૂરીયાતમંદોને મદદ કરતી ચેરિટીઓને સહાય કરતા કોરોનેશન ફૂડ પ્રોજેક્ટના એક વર્ષ નિમિત્તે આ ફૂડ હબનો પ્રારંભ કરાશે. તેને કોરોનેશન ફૂડ હબ નામ આપવામાં આવશે. જેમાં એક હબ પરથી રૂબરૂમાં સહાય પ્રાપ્ત કરી શકાશે જ્યારે બીજા પર ઓનલાઇન કામગીરી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter