ચંદ્રયાન-3ની સફળતા પર ભારતીય હાઇકમિશન ઝૂમી ઉઠ્યું

Tuesday 29th August 2023 11:38 EDT
 
 

લંડનઃ ઇસરોના ચંદ્રયાન-3 મિશનની સફળતાની લંડન સ્થિત ભારતીય હાઇકમિશનમાં ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરતાની સાથે જ હાઇ કમિશનની ઇમારત ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠી હતી.

સાથે મળીને નવા ભારતનું નિર્માણ કરીએઃ ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી

ભારતની સફળતા પર યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતના 76 વર્ષના ઇતિહાસમાં સંખ્યાબંધ ગૌરવપ્રદ ક્ષણો આવી છે અને ખાસ કરીને છેલ્લા એક દાયકામાં ભારતે ઘણી મોટી સિદ્ધીઓ હાંસલ કરી છે. હવે એ સમય આવી ગયો છે કે આપણે સાથે મળીને કામ કરીએ, ભવિષ્યની તરફ મીટ માંડીને તમામ સફળતા હાંસલ કરીએ અને નવા ભારતનું નિર્માણ કરીએ.

ભારતીયોએ અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છેઃ જેમ્સ ક્લેવર્લી

બ્રિટનના વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવર્લીએ આ ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવતા જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ લેન્ડિંગ કરવા માટે ભારતને અભિનંદન. ભારતીયો દ્વારા અસામાન્ય સિદ્ધી હાંસલ કરાઇ છે.

બધાઇ હો, આ સફળતા વિશ્વ માટે મહાકાય ડગલુઃ બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસ

લંડનઃ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે પણ ભારતની આ સફળતા પર અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બધાઇ હો... ભારત અને સમગ્ર વિશ્વ માટે આ મહાન ક્ષણ છે. આ સફળતા વિશ્વ માટે મહાકાય ડગલું છે.

આપણે નવા સ્પેસ એજમાં જીવી રહ્યાં હોવાનો પુરાવોઃ પ્રોફેસર અનુ ઓઝા ઓબીઇ

યુકે સ્પેસ એજન્સીના ડિરેક્ટર ઓફ ચેમ્પિયનિંગ સ્પેસ પ્રોફેસર અનુ ઓઝા ઓબીઇએ જણાવ્યું હતું કે, ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે હું ભારતને અભિનંદન પાઠવું છું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ આપણે નવા સ્પેસ એજમાં જીવી રહ્યાં હોવાનો પુરાવો છે. હવે સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓ અને કંપનીઓ ચંદ્ર અને તેની આગળની ક્ષિતિજો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇજનેરી અને ખંતપુર્વકના સાહસ માટે ભારતને અભિનંદન. હાલના આ મિશનો તકોના નવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચંદ્રની સપાટી પર પાણીની હાજરી અંગે મહત્વના વૈજ્ઞાનિક સંશોધનો કરાશે જે ચંદ્ર પર માનવ જીવનમાં સહાય કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter